નવયુવાનોને સંગઠિત કરવા “યુવા શંખનાદ“નું આયોજનઃ યાજ્ઞિક રોડ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે 29 નવેમ્બરે સાંજે 5 કલાકે બેઠક મળશે
રઘુવંશી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને વીર શ્રી રાણા જશરાજજીના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ સમાજના યુવાનોને એક મંચ પર લાવી સંગઠિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ’ દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. “રઘુવંશી યુવા શંખનાદ : એક નવી શરૂઆત” શીર્ષક હેઠળ આ બેઠક આગામી તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે યોજાશે.સંગઠનની યાદી મુજબ, આ બેઠક ડો. યાજ્ઞિક રોડ પર શ્રી જાગનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા શ્રી જાગનાથ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી છે. બેઠકમાં લોહરગઢના અંતિમ રાજવી વીર શ્રી રાણા જશરાજજીના શૌર્ય અને બલિદાનની પ્રેરણા સાથે વર્તમાન સમયમાં સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, રોજગાર અને સામાજિક એકતા માટે યુવા શક્તિને વૈચારિક રીતે સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, આગામી સમયમાં સંગઠન દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ રચનાત્મક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની રૂપરેખા ઘડવા માટે યુવાનોના સૂચનો પણ આવકારવામાં આવશે. રાજકોટ તેમજ આસપાસના વિસ્તારના રઘુવંશી યુવાનોને આ બેઠકમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે, જેના સમાપન બાદ અલ્પાહારનું પણ આયોજન કરાયું છે.




