ગાંધીનગર રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન
અદાણી ફાઉન્ડેશનની પહેલથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય અને લોકોને કેમિકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં લાભકારી સલાહ સૂચનો આપ્યા હતા.
કચ્છની સૌ પ્રથમ શ્રીરાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીના ખેડૂતોએ રાજયપાલની રૂબરૂ મુલાકાતમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વધારવા માર્ગદર્શન મેળવ્યું. ઝેરમુક્ત અને ભયમુક્ત અનાજ પકવવા ચાલી રહેલી મુહિમને દેવવ્રતજીએ બિરદાવી હતી. ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો દેવવ્રતજીને અર્પણ કરી પ્રાકૃતિક ખેતીના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ મુલાકાત બાદ ખેડૂતોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.
ખેડૂતોને અભિનંદન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેડૂતોમાં મનમાં વાવેલા પ્રાકૃતિક ખેતીના વિચારો આજે મને ઊગી રહેલા દેખાય છે. મને પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત કદી દુ:ખી જોવા નથી મળ્યો. આપ સૌ ખેતી કામ કરતી બહેનોને સાથે લાવ્યાં તે બદલ અભિનંદન આપું છું
આ મુલાકાત માટે મુંદ્રા-માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ખેડૂતોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે કચ્છ દરેક બાબતની પહેલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે આપણા ખેડૂતો આ બાબતે પાછીપાની નહીં કરે. આપના ઉત્પાદનોને ઉત્તમ બજાર મળી રહે તે માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીશું.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે રાજયપાલને આભાર સહ ખાતરી આપતા જણાવ્યું હતું કે પ્રકૃતિ પ્રત્યેનું ઋણ અદા કરવામાં અદાણી પરિવાર ક્યારેય પાછીપાની નહીં કરે. હેમેશા ખેડૂતોની પડખે રહીને ઉધોગગૃહના સામાજિક ઉત્તરદાયિત્વને નિભાવશે.