સ્વાસ્થ્યવર્ધક સરગવાની ખેતી કરનાર કામરાજભાઈ ચૌધરી ખેડૂતોને ચીંધી રહ્યા છે નવી રાહ
મારા જેવા છેવાડાના ખેડૂતને પ્રધાનમંત્રીશ્રીએ યાદ કર્યો એ બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું.
- Advertisement -
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર મહિને આકાશવાણીના માધ્યમથી રાષ્ટ્રના નાગરિકોને ‘મન કી બાત’ દ્વારા સંબોધિત કરે છે. જેમાં પ્રધાનમંત્રીશ્રી દેશના વિવિધ વિસ્તારના જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ ધરાવનાર લોકોની વાત કરે છે. તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી કામરાજભાઈ ચૌધરીનો ઉલ્લેખ સરગવાની ખેતીને લઈને કર્યો હતો.
યુવાન અને નવા વિચારોથી ભરેલા કામરાજભાઈએ ગ્રેજ્યુએશન કર્યા બાદ પિતા પાસેથી ખેતી શીખી. તેઓએ વર્ષ ૨૦૦૧માં સૌપ્રથમ વખત પ્રાયોગિક ધોરણે સરગવાની અને વર્ષ ૨૦૦૩માં દાડમની ખેતી ડ્રીપ ઈરીગેશન સાથે કરી હતી. છેલ્લા દસ વર્ષથી નિયમિત રીતે સરગવાની ખેતી કરતા કામરાજભાઈ પોતાનો અનુભવ વર્ણવતાં જણાવે છે કે સરગવાને પાણી ઘણું ઓછું જોઈએ છે. જેથી, સૂકું વાતાવરણ સરગવાની ખેતી માટે અનુકૂળ છે. ડ્રીપ ઈરીગેશન દ્વારા સરગવાનો ઉત્તમ પાક લઈ શકાય છે. અત્યારે કામરાજભાઈએ ૫ એકર જમીનમાં સરગવાના ૨૪૦૦ છોડ લગાવ્યા છે અને એનું બીજ પણ તેઓએ પોતે તૈયાર કર્યું છે. કામરાજભાઈ સરગવાનું બિયારણ અન્ય ખેડૂતોને પણ આપે છે. સરગવામાં તેઓ છાણિયા ખાતરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
સરગવાની ખેતીમાં ખેડૂતને મળતર સારું છે એમ જણાવતાં કામરાજભાઈ કહે છે કે તેઓએ વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૫ વીઘામાંથી ૪૦ લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં ૫ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. જેમાં અંદાજે તેઓએ પ્રત્યેક વીઘાએ એક લાખ રૂપિયાની આવક મેળવી હતી. હાલમાં એમના ખેતરમાં વર્ષ ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં વાવેતર કરેલા છોડમાંથી પણ તેઓએ વીઘાદીઠ લાખ રૂપિયા જેટલી આવક મેળવી લીધી છે. કામરાજભાઈ પોતાનો સરગવો તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં પહોંચાડે છે. જ્યાં તેઓને વેપારીઓ પાસેથી કિલોદીઠ ૫૦ થી ૫૫ રૂપિયા ભાવ મળી રહે છે.
- Advertisement -
કામરાજભાઈએ ખેતી માટે ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો છે. જેમાં ડ્રીપ ઈરીગેશન, સરગવાના છોડ માટે સબસીડી, ટ્રેકટર અને રોટાવેટર જેવા સાધનો માટે સરકાર તરફથી અલગ અલગ સમયે સહાય મેળવી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કામરાજભાઈની વાત કરતાં ગુજરાતભરમાંથી ખેડૂતો તેમના માર્ગદર્શન માટે તેમનો સંપર્ક કરી રહ્યા છે. આવા ખેડૂતોને સરગવાની ખેતી બાબતે સલાહ આપતાં કામરાજભાઈ કહે છે કે સરગવાનું ઝાડ જો સારી માવજત કરવામાં આવે તો ૨૦ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. સરગવાના અનેક ઔષધીય ગુણો હોવાથી તેનો બઝારમાં સારો ભાવ મળી રહે છે. એથી, ખેડૂતોને સરગવાની ખેતી કરવામાં સારો એવો લાભ છે.


