સવારે ઓછા મતદાન માટે ઠંડી પણ કારણભૂત બની શકે: ઠંડી પણ 15 ડિગ્રીએ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં મંગળવારે શિયાળાની સિઝનમાં સતત 3 દિવસ સુધી ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહ્યા બાદ પ્રથમ વખત ઘટીને 14.8 ડિગ્રી સેલ્સિયસ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી એક સપ્તાહની આગાહી મુજબ 5 ડિસેમ્બર સુધી મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 14 અને 15ની વચ્ચે જ રહેશે અને ઓછામાં ઓછું 14 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે જે ઠંડીની મોસમનો સંકેત આપી રહ્યું છે.
- Advertisement -
1 ડિસેમ્બર વિશે હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે કે તે દિવસે ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે. સામાન્ય રીતે સૌથી ઓછું તાપમાન સૂર્યોદય સમયે નોંધાતું હોય છે અને સૂર્યોદય બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થાય છે. મતદાન સવારે 8 વાગ્યે શરૂ થવાનું છે અને સૂર્યોદય સવારે 7:10 ની આસપાસ થશે તેવી શક્યતા છે કારણ કે હવામાન વિભાગે 30 તારીખના સૂર્યોદયની શક્યતા 7:08 બતાવી છે અને તે અનુસાર બીજા દિવસે પણ રહેશે. સૂર્યોદયની પહેલી કલાકમાં મતદાન શરૂ થશે તેથી તાપમાન પણ ઓછું જ હશે.
સવારે 8થી 9 દરમિયાન 15થી 17 ડિગ્રી જેટલું રહી શકે છે તેથી મતદાનની પ્રથમ કલાકમાં ઠંડી અનુભવાશે આ કારણે આટલી વહેલી સવારે મતદાન કરવા આવનાર લોકોની સંખ્યા ઓછી જણાશે. જેમ જેમ કલાકો આગળ વધશે તેમ તેમ તાપમાન પણ વધવા લાગશે. બપોરે 12 વાગ્યા સુધીમાં પારો 30 ડિગ્રીની નજીક પહોંચતા યોગ્ય વાતાવરણ થતા ત્યારે મતદાનની સંખ્યા પણ વધી શકે છે અને કતારો લાગશે. જ્યારે બપોરે 2 વાગ્યાથી 3 દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી થશે અને ત્યારબાદ ક્રમશ: ઘટવાનું શરૂ થઈ જશે જોકે સાંજે 5 વાગ્યા સુધી પારો 32 ડિગ્રીની આસપાસ જ રહેવાનો હોવાથી ત્યાં સુધીમાં મતદાનમાં કોઇ સમસ્યા સર્જાશે નહિ.
રાજકોટમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં સામાન્ય લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ઘણો ઓછો રહ્યો છે. સભાઓ, રેલીઓ, પ્રવચનોમાં સંખ્યા જોવા મળતી નથી તેમજ સોસાયટીઓના ચોકમાં અને પ્લોટમાં થતા કાર્યક્રમો પણ ઘટી ગયા છે જે તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનું કારણ બન્યું છે. તેવામાં મતદાન નજીક આવતા જ ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને બીજી તરફ રાજકીય પક્ષોમાં ગરમી વધી રહી છે.