ડાયાલિસિસ સેન્ટરની અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિ:શુલ્ક સારવાર મળી રહે તે હેતુથી મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તથા ટંકારા એમ બે તાલુકા મથકોએ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ટંકારા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ માળિયા ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરાયો છે. મોરબી તથા વાંકાનેર ખાતે અગાઉથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે જીલ્લાના અન્ય બે તાલુકાઓમાં કિડનીના દર્દીઓને ડાયાલિસિસની સારવાર મેળવવી સહજ બનશે. આ બંને તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થવાથી તેમને ઘર આંગણે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને સારવાર અર્થે મોરબી કે રાજકોટ સુધી લાંબા નહીં થવુ પડે. આ ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેમના પર પડતા નાણાકીય ભારમાંથી પણ કિડનીના દર્દીઓને હવે વધુ રાહત મળશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દર 30 થી 40 કિલોમીટરના અંતરે ડાયાલિસિસની અધ્યતન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દરેક જીલ્લામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે જ્યાં કિડનીના દર્દીઓને તમામ સુવિધા વિનામૂલ્યે મળી રહે છે.