માવઠું થાય તો ઉનાળુ પાક પર જોખમ, કેરીના પાકને પણ નુક્સાની જવાની ભીતિ: ખેડૂતો ચિંતાતુર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
એપ્રિલ માસ શરૂ થયો છે ત્યારથી કાળઝાળ ગરમી પડી રહી છે. બે’ક દિવસને બાદ કરતાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની ઉપર રહ્યું છે. જો કે સોમવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દિવસભર તેજ ગતિથી પવન ફુંકાયો હતો, સાથે મંગળવાર વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. હજુ માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જો માવઠું થાય તો ઉનાળુ વાવેતર પાકને નુકસાન થઈ શકે છે. સાથોસાથ કેરીના પાકને પણ નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી હોય ખેડૂતો ચિંતાતુર બન્યા છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, હવામાન વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે 21 અને 22 એપ્રિલના માવઠું થઈ શકે છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટીવાળા ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
જૂનાગઢમાં માવઠું થવાની સંભાવના ઓછી છે પરંતુ વાતાવરણમાં અચાનક જોરદાર બદલાવ આવ્યો છે પરિણામે માવઠું થઈ પણ શકે છે. સોમવાર મોડી રાતથી જ ઠંડાગાર પવન ફુંકાઈ રહ્યો છે. મંગળવાર સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું છે. આવા વાતાવરણ વચ્ચે સવારના 9-45 વાગ્યાથી જૂનાગઢ શહેરમાં છાંટા પડવાનું શરૂ થતાં માવઠું થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વર્ષભરની મહેનત બાદ કેરીના આંબાનો ઉછેર- માવજત કરી સારો પાક તૈયાર કર્યો છે તે માવઠું થાય તો ફેઈલ જાય તો મહેનત પર પાણી ફરી વળે અને ભારે આર્થિક નુકસાની પણ જઈ શકે છે.
મગમાં ઈયળનો ઉપદ્રવ
હાલ વાતાવરણમાં આવેલા ફેરફારની અસર ઉનાળુ પાક પર થઈ રહી છે. એમાં પણ હાલ મગના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. દવા પણ કામ ન કરે તેવો ઉપદ્રવ વધ્યો હોય જગતાત ચિંતામગ્ન બન્યો છે. જો આવી સ્થિતિ રહી તો પાક ફેઈલ જતાં ફરી આર્થિક માર સહન કરવો પડશે.
- Advertisement -
બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો
હાલ વાતાવરણ ગરમ રહ્યું હતું પરંતુ આગામી દિવસ બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટી જશે. મહત્તમ તાપમાન જે 40ની ઉપર રહે છે તે ઘટીને 38 આસપાસ થઈ જશે.
તેજ પવનથી પણ નુકસાની
હાલ માવઠા ઉપરાંત તેજ ગતિથી ફુંકાતા પવનથી પણ કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે. ભારે પવનથી ઝાડ પરથી કેરી ખરી પડે છે જેથી ખેડૂતોની નુકસાની વધશે.
માવઠું થશે તો કેરી મોંઘી થશે
તાઉતે વાવાઝોડાનાં કારણે પહેલાં જ કેરીનો પાક પર માઠી અસર થઈ છે ત્યારે આજે વાતાવરણમાં પલ્ટો આવતાં હવે જો માવઠું થશે તો કેરીના પાકને નુકસાન થઈ શકે છે પરિણામે ઉતારો ઓછો થશે અને સરવાળે કેરી મોંઘી થઈ શકે છે.


