સૌથી પહેલા ઈન્દિરા બ્રિજ અને દૂધસાગર બ્રિજ વચ્ચેનો એક કિ.મી.નો ભાગ ડેવલપ થશે
- 79 હેક્ટર વિસ્તારમાં 1180 કરોડ રૂપિયાના ખર્ચે બનશે રિવરફ્રન્ટ
રાજકોટના આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે તેથી વિકાસના કામો હવે શરૂ કરી શકાશે. આખી નદીની લંબાઈ આમ તો 11 કિ.મી. છે અને 79 હેક્ટર વિસ્તારમાં રિ-ડેવલપમેન્ટ કરવાનું છે પણ તેમાં ઘણો સમય વીતી જાય તેમ છે તેના કરતા તબક્કાવાર કામો કરીને જેમ જેમ બને અને ઉપયોગ શરૂ કરાય તેવી નીતિથી રાજકોટમાં કામ ચાલુ થશે.સૌથી પહેલા ઈન્દિરા બ્રિજ અને દૂધસાગર બ્રિજ વચ્ચેનો એક કિ.મી.નો ભાગ ડેવલપ થશે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાશે તે માટે માસ્ટર પ્લાન બની રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ ભાગમાં રામનાથ મહાદેવ મંદિર આવી જાય છે અને તેનું રિ-ડેવલપમેન્ટ મનપા કરી રહી છે જે હવે રિવરફ્રન્ટની થીમને ધ્યાને રાખીને કરાશે.
રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે તે પહેલા ઈન્ટરસેપ્ટર લાઈનનું કામ પૂરું કરી સૌથી પહેલા ગટરનાં પાણી નદીમાં ભળતા અટકાવાશે ત્યારબાદ રિ-ડેવલપમેન્ટ શરૂ થશે.રિવરફ્રન્ટ માટે આજી-1 ડેમથી શહેરની ઉત્તરમાં રિંગ રોડ સુધી 11 કિ.મી.ની લંબાઈનો વિસ્તાર નક્કી કરાયો છે જેમાં ખોખડદળ નદીના કામો પણ આવરી લેવાયા છે. નદીની પહોળાઈ 80 મીટરથી માંડી 150 મીટર સુધી સ્થળ મુજબ વધઘટ થાય છે. જેમાં ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવર, બંને કિનારામાં દીવાલ અને એન્ટ્રી ગેટ, વોટર રિપ્લેનિશમેન્ટ માટેનું નેટવર્ક તેમજ બંને કિનારાએ નવા રોડ નેટવર્ક માટે 480 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ કરાયો છે. જ્યારે જૂના રેલવે બ્રિજના રિનોવેશન તેમજ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે બગીચા, ઈકો પાર્ક, ફૂડ કોર્ટ સહિતના વધારાના માળખાકીય બાંધકામો માટે 701 કરોડ ખર્ચાશે. આ મુજબ કુલ ખર્ચ 1181 કરોડ રૂપિયા જેટલો આવશે.



