કેજરીવાલનો રોડ-શો અને ઇન્ટેલીજન્સ રિપોર્ટ બાદ ભાજપ બન્યું એલર્ટ
સૌરાષ્ટ્રના મહત્વના પ્રવાસ રદ કરીને સુરતથી સીધા ભાજપ પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચી ગયા
ગુજરાતમાં ગરમીની સાથે વધી રહેલા રાજકીય પારામાં પણ વહેલી ચૂંટણીની શકયતાના તમામ સંકેતો મળી રહ્યા છે અને આંગે ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમના સૌરાષ્ટ્રના તમામ મહત્વના કાર્યક્રમો રદ કરીને જે રીતે તાત્કાલીક દિલ્હી પહોંચ્યા અને વડાપ્રધાન સાથે તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે તેઓેએ ચર્ચા કરી તેનાથી વહેલી ચૂંટણીના સંકેતો વધુ મજબૂત બન્યા છે અને ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાલુ માસમાં જ એક સમયે ચૂંટણી જાહેર થઇ શકે છે.
- Advertisement -
સામાન્ય રીતે ચૂંટણી જાહેર કરવા માટે પંચને 45થી 50 દિવસનો સમય પૂરતો હોય છે અને ગુજરાતમાં આ ટાઇમટેબલ મુજબ જુનના પ્રથમ સપ્તાહ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ જાય તે રીતે રાજ્યમાં તાત્કાલીક ચૂંટણીઓ યોજાઈ તેવી શક્યતા વધુ બળવળતર બની છે. મળતા સંકેત મુજબ ગત સપ્તાહમાં જે રીતે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો અમદાવાદમાં રોડ-શો યોજાયો અને જે રીતે જંગી મેદની તેમાં ઉપસ્થિત રહી હતી તે સૂચક બની ગઇ છે અને આ રીતે રાજ્ય સરકારને જે ઇન્ટેલીજન્સ રિપોર્ટ મળ્યો છે તે જોતા કેજરીવાલનો ફિવર પકડાયા લાગે તેવી શકયતા છે.ખાસ કરીને તા. 17નાં રોજ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે અને તે સમયે તેઓ સૌરાષ્ટ્રમાં પણ આવશે અને આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાની હાજરી મજબૂત બનાવે તે પૂર્વે જ ચૂંટણી આપીને સરકાર તેના આયોજનને બ્રેક મારી શકે છે.
આ જ રીતે ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે જે રીતે પાટીદાર બાદ હવે અન્ય સમાજ તરફ પણ પોતાનું રુખ કર્યું છે તે સંદેશ પણ દિલ્હી પહોંચી ગયો છે. પાટીલને પૂર્વનિયોજીત કાર્યક્રમ કે જે બે મહત્વના હતા તે રદ કરીને દિલ્હી પહોંચવું પડયું અને વર્ચ્યુઅલ સંબોધથી કામ ચલાવવું પડયું તે સૂચક છે.



