સ્વ. અભયભાઈ ભારદ્વાજની જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ લીગલ સેલ તથા યુવા મોરચા દ્વારા ‘કાનુની સહાયતા કેમ્પ’નું આયોજન
રામેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં લીગલ સેલની સફળ સેવાકીય પ્રવૃત્તિ
રાજ્યસભાના પૂર્વસાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજની જન્મજયંતી નિમિત્તે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ તથા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક કાનૂની સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્ર અને સમાજ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર સ્વ. અભયભાઈના જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ લોકો તથા કાયદાથી વંચિત લોકોને કાયદા કાનુન અંગે નિ:શુલ્ક રાજકોટના શ્રેષ્ઠ વકીલો દ્વારા માર્ગદર્શન મળે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ અગ્રણી અને અભયભાઈના નાના ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા સ્વ. અભયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. ભાજપ લીગલ સેલના વકીલો અને યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધારવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ અગ્રણી કાથડભાઈ ડાંગર અને રઘુભાઈ ધોળકીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટના પ્રમુખ પંકજભાઈ રાવલ તેમજ નિરંજનભાઈ દવે હાજર રહ્યા હતા. રામેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત આ કેમ્પ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિના પ્રમુખ નિલેશભાઈ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.



