રાજકોટ જિલ્લા પાણી સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી
ગત વર્ષે રાજકોટના 18 ગામમાં પાણી માટે ટેન્કર શરૂ કરાયા હતા, હાલ ત્યાં પાણીની તંગી નથી
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં પીવાનું પાણી પૂરું પાડતી 9 જૂથ પાણી પુરવઠા યોજના અને ઉપલબ્ધ જળસ્ત્રોત વિતરણ વ્યવસ્થા તેમજ સૌની યોજના આધારિત આપવામાં આવી રહેલ નર્મદા પાણી અને પાણી પુરવઠા યોજનાની વિગતો સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ સિંચાઇ વિભાગના અધિકારી પી.આર. ગૌસ્વામીએ ઉપલબ્ધ પાણીનો જથ્થો અને હાલની વ્યવસ્થા અંગે તેમજ પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના અધિકારીઓએ જરૂરી માહિતી આપી હતી. રાજકોટ જિલ્લામાં 31મી ઓગસ્ટ સુધી પાણીની તંગી નહીં રહે તેવી વ્યવસ્થા છે તેમ જણાવાયું હતું.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ગોંડલ નગરપાલિકાને આગામી મહિનાઓમાં પાણીની જરૂરિયાત રહેશે તેવી સંભાવનાને ધ્યાને લઇને વધારાનું પાણી મળી રહે તે માટે જરૂરી દરખાસ્ત કરવામાં આવશે. ગયા વર્ષે રાજકોટ તાલુકાના 18 ગામોમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવામાં આવ્યા હતા. આ ગામમાં હાલ પાણીની તંગી નથી. જરૂર પડે ત્યાં આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
પાણીની સ્થિતિ અંગે સમયાંતરે સમીક્ષા થતી રહે અને પાણીની વ્યવસ્થા માટે કરવાની થતી કામગીરી ઝડપથી થાય તે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી ધીમંતકુમાર વ્યાસ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રૂરલ એસપી બલરામ મીના, તેમજ રૂડા અને પાણી પુરવઠા બોર્ડ, સિંચાઈ, વાસ્મો, સૌની યોજના ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


