ગુજરાત સરકાર અને વિવિધ મસ્જીદોના સંચાલકોને નોટીસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં વિવિધ મહાનગરો તથા શહેરો સહિતના વિસ્તારોમાં આવેલી મસ્જીદોમાં દિવસના પાંચ વખત નમાઝના સમયે અજાન પઢવામાં આવે છે અને તે લાઉડ સ્પીકર પર પઢવામાં આવતી હોવાથી અવાજનું પ્રદૂષણ તથા સીનીયર સીટીજન સહિતના માટે તેનો અવાજ મુશ્કેલી સર્જે છે તેવી રજુઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી એક રીટ અરજી દાખલ કરવામાં આવી છે અને અંગે સંબંધીત મસ્જીદોના સંચાલકો તથા રાજય સરકારને નોટીસ પાઠવવામાં આવી છે. અમદાવાદમાં ધર્મેશ ગુજજર નામના એક ધારાશાસ્ત્રી મારફત દાખલ કરાયેલી એક રીતમાં અજાનને અવાજના પ્રદૂષણ સાથે જોડી દેવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે જે નિયત માત્રા અવાજના પ્રદૂષણ માટે નિશ્ચિત કરી છે તેનો ભંગ થાય છે.
દિવસમાં પાંચ વખત આ પ્રકારે અજાન પઢવામાં આવતી હોવાથી આસપાસના રહેવાસીઓ ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા સીનીયર સીટીઝનો માટે મુશ્કેલી સર્જે છે તેવી રજુઆત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી અને તેના પરથી આ નોટીસ પાઠવવામાં આવી છે.


