પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા રેલવે સ્ટેશન પર 19 જાન્યુઆરીના ઈન્ટરલોકીંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પર અસર જોવા મળી છે. જેમાં અમદાવાદથી ઉપડતી ટ્રેન નં. 19119 અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસ, વડોદરાથી ઉપડતી ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર એક્સપ્રેસ, સોમનાથથી ઉપડતી ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ અને જામનગરથી ઉપડતી ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે તેમજ ઈન્દોરથી ઉપડતી અને વેરાવળ સ્ટેશન સુધી જતી ટ્રેન નં. 19320 ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ 18 જાન્યુઆરીના અમદાવાદ સુધી જ આવશે.
આ ટ્રેન અમદાવાદથી લઈને વેરાવળ સુધી આંશિક રીતે રદ રહેશે. તેવી જ રીતે 19 જાન્યુઆરીએ વેરાવળથી ઉપડતી અને ઈન્દોર તરફ જતી ટ્રેન નં. 19319 વેરાવળ-ઈન્દોર એક્સપ્રેસ વેરાવળના બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન વેરાવળથી અમદાવાદ સુધી આંશિક રીતે રદ રહેશે તેમ સિનિયર ડીસીએમ અભિનવ જૈફની યાદીમાં જણાવાયું હતું.


