ઓક્ટોબર 2023 સુધીમાં રાજકોટ એઈમ્સનો સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટના ખંઢેરી પાસે 200 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે આકાર લઈ રહી છે. હાલ સંપૂર્ણપણે હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થયું નથી પરંતુ 31 ડિસેમ્બરથી પૂજા વિધિ સાથે 12 વિભાગની OPD શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝમાં એઈમ્સનાં બિલ્ડિંગનું 40 ટકા પૂર્ણ થયું છે. જૂન 2022થી હોસ્પિટલ સંપૂર્ણપણે ધમધમવા લાગશે, તેમજ ઓક્ટોબર 2023 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. હાલ દરરોજ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરથી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઉદઘાટનનો આગ્રહ ટાળીને સાદાઈથી ઓપીડી શરુ કરી દેવામાં આવી છે, જેમાં જનરલ મેડિસિન, ગાયનેક, સર્જરી, આઈ, ઈએનટી, પીડિયાટ્રિક, ડેન્ટલ, ઓર્થોપેડિક અને પલ્મનરી ડિસીઝની સારવારનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સિસ્ટમ મુજબનાં ચાર્જીસ રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ઈન્ડોર ડિપાર્ટમેન્ટ્સ શરુ થઈ જાય પછી આયુષ્યમાન ભારત યોજના ઉપરાંત મેડિક્લેઈમ હેઠળ કેશલેસ ટ્રીટમેન્ટ પણ મળતી થઈ જશે.
આવનારા સમયમાં રાજકોટમાંથી દેશને શ્રેષ્ઠ ડોક્ટરો મળી રહે એ માટે એઈમ્સમાં ફેકલ્ટીઝને ગ્રુપ કરવા, દેશભરની એઈમ્સમાંથી ખ્યાતનામ ડોક્ટરોને અહીં વિઝિટીંગ લેક્ચરર તરીકે બોલાવવા, રીસર્ચ વધારવું વગેરે ICMR, IIM, IIT સાથે MOU કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. ડેન્ટલ, આયુષ, નર્સિંગ, પેરામેડિકલ કોર્સીસની કોલેજો પણ ખુલશે.
- Advertisement -

BPL કાર્ડધારકો માટે સેવાઓ નિ:શુલ્ક
જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને એઈમ્સમાં સારવાર, સર્જરી સાવ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કારણે અત્યારે બીપીએલ કાર્ડ લઇને સિવિલ હોસ્પિટલમાં હડધૂત થતા લોકોને સારી સારવાર મળી રહેશે.
માત્ર 10 રૂપિયામાં દર્દીઓની તપાસ કરાશે
રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ. કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે.
- Advertisement -

ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવામાં આવશે
જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે તેને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે અને તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જો કોઇ દર્દી તે ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણા બધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે. દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું પણ વેઇટિંગ લોન્જમાં સારી એવી બેઠક વ્યવસ્થા હશે.
જૈન બસેરા બિલ્ડિંગમાં ઓપીડી શરૂ કરાઈ
દિલ્હી એઈમ્સ મારફત કોરોનાકાળને લઈને વેર-વિખેર થઈ ગયા બાદ હવે હાલ તુરંત તો એઈમ્સનાં ડઝનેક બિલ્ડિંગો પૈકી જૈન બસેરા બિલ્ડિંગનો કબ્જો વહેલી તકે સંભાળીને તેમાં 31 ડિસેમ્બરથી ઓપીડી શરુ કરાવી દીધી છે. જ્યારે આગામી સમયમાં અહીં ચેસ્ટ સ્પેશ્યાલિટી માટેનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની નેમ ભવિષ્યમાં રિસર્ચ પર મુખ્ય ફોકસ, એ પછી યુજી અને પીજી ડોક્ટર્સ તૈયાર કરવા અને પેશન્ટ્સ કેર એ પ્રમાણેની એઈમ્સની પ્રાયોરિટી રહેતી હોય છે. પરંતુ દર્દીઓ ઓપીડી શરુ કરવા પૂરતા ઈન્સ્ટ્રુમેન્ટ્સ પૈકી કેટલાંક સાધનો આવી ગયા છે અને બાકીનાંની ડિલિવરી કરવામાં આવી છે.
માત્ર 10 રૂપિયામાં દર્દીની તપાસ થઇ જશે, એક દિવસના બેડનું ભાડું રૂ. 35 પ્રતિદિન રહેશે
ગળા, ગર્ભાશય અને ફેફસાંના કેન્સરમાં વપરાતા Carboplatinનો ભાવ રૂ. 1316.25
એઈમ્સની 50 કિમીની ત્રિજ્યામાં રિયલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ક્ષેત્રમાં તેજી આવશે
હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં MBBS માટે 100 બેઠક ફાળવવામાં આવી.



