શિયાળું વાનગીઓનો ગરમાગરમ ધંધોઃ દેશી રસોઈને રોયલ ડિશ બનાવી પીરસવાનો જમાનો, રોટલા કરતાં રેસ્ટોરન્ટનું બિલ વધુ ગરમ લાગે
- Advertisement -
આજથી એકસો વર્ષ પહેલાં પણ ફળ આવતા હતા અને આજે પણ ફળ આવે છે. ફર્ક એટલો છે કે ત્યારે ફળ આખેઆખા જુદાજુદા વહેંચાતા અને તેની કિંમત વાજબી હતી, હવે એ જ ફળ એકસાથે કાપીને મિક્સ ફ્રૂટ પ્લેટર તરીકે વેચાય છે અને તેની કિંમત ઘણી વધુ હોય છે. આવું જ કંઈક શિયાળું દેશી વાનગીઓમાં પણ છે. પહેલાં પણ શિયાળું દેશી વાનગીઓ બનતી અને મળતી, પણ હવે તેને અલગ પ્રકારે પેશ કરીને પૈસા પડાવવાનો રીતસરનો ધંધો શરૂ થયો છે.શિયાળો આવે એટલે ગુજરાતીઓની થાળીમાં તુવેર ટોઠા, ઉંબાડિયું, ઊંધિયું, રીંગણાંનો ઓળો, લીલી હળદરનું શાક, આખા લસણનું શાક, સરસવનું શાક, વરાળિયું, ધૂંટો, અડદ દાળ, પંચરત્ન દાળ, લસણ ચટણી અને બાજરા કે જુવારના રોટલા દેખાવા લાગે. એક સમયે આ બધી વાનગીઓ ગરીબ – મધ્યમ વર્ગના ઘરનો રોજિંદો ખોરાક હતી, હજુ પણ છે. ખેતરમાં કામ કરતો મજૂર હોય કે ગામડાનો ખેડૂત હોય કે કોઈ નગરનો નોકરિયાત અથવા વેપારી વર્ગ હોય, સૌ કોઈ શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમાવો આપવા માટે આ વાનગીઓ પર જ આધાર રાખતા આવ્યા છે. એમાં જરાપણ દેખાડો નથી, બસ ભારોભાર શુદ્ધતા અને સ્વાદ છે. જોકે લેટેસ્ટ ફૂડ માર્કેટિંગના ટાઈમમાં આ વાનગીઓની કાયાપલટ થઈ ગઈ છે અને શિયાળું દેશી વાનગીઓના નામે સ્વાદના શોખીનોને છેતરવાનો ખેલ ચાલી રહ્યો છે.જે પરંપરાગત વાનગીઓ તદ્દન સરળ અને સામાન્ય છે તેને તાંબા – પિત્તળ – માટીના વાસણમાં મૂકી, ઉપરથી કોથમીર – કાજુ – ચીઝ ભભરાવી, બે-ચાર અંગ્રેજી શબ્દોના વાઘા પહેરાવીને એવી રીતે પીરસવામાં આવે છે જાણે કોઈ રાજમહેલના રસોડાનો ગુપ્ત ખજાનો ખોદી કાઢ્યો હોય. જે વાનગીઓ સામાન્ય ઘરોમાં ઋતુ પ્રમાણે બનતી આવી છે તેને હવે માર્કેટિંગનો મસાલો ભભરાવી ઓથેન્ટિક ટ્રેડિશનલ ક્યુઝીનના નામે રજૂ કરવામાં આવે છે. સામાન્ય વાનગીને અસામાન્ય રીતે ઊંચી કિંમતમાં વેચો એટલે દેશીપણાનો તડાકેદાર ધંધો તૈયાર!જે રીંગણાંનો ઓળો અને બાજરાના રોટલા ગામના પાદરે કે ઘરના ચૂલે સાવ નજીવા ખર્ચે તૈયાર થતા આવ્યા છે, આજે એ જ ઓળો – રોટલા હાઈવે પર આવેલા કોઈ વિલેજ થીમ ધરાવતા રેસ્ટોરન્ટમાં આકર્ષક વાસણમાં અનોખી રીતે પીરસાય છે અને તેનું બિલ હજારોમાં ફાટે છે. તુવેર ટોઠા, વરાળિયું અને લીલા ચણા એટલે કે જીંજરાનું શાક જે શેરીના નાકે કે ઘરના આંગણે સહજતાથી બનતા આવ્યા છે, એ જ શાક વિન્ટર સ્પેશિયલ પ્લેટર – ઓર્ગેનિક ફાર્મ બાઉલના નામે લક્ઝરી ડિશ બની ગયા છે. પોઈન્ટ ટુ બી નોટેડ… આ વાનગીઓ કોઈ ફૂડ ફેસ્ટિવલની શોધ નથી, આ તો આપણા ઘરના રસોડાની પેઢીઓ જૂની ઓળખ છે.ગામની સીમમાં પાકતા લીલા પોંકમાંથી બનતા પોંક વડા હોય કે પછી ઘરના રસોડામાં બચેલા શાકભાજીમાંથી બનતો ઘૂંટો… આ બધી આપણી વર્ષો જૂની પરંપરાગત વાનગીઓ હતી. આજે એ જ બધી વાનગીઓને ગુજરાતી વિન્ટર ટેપસ અને સ્વીટ એન્ડ સ્પાઈસી વેજીટેબલ કરી જેવા ફાંકડા નામ આપીને મેનુ કાર્ડમાં ઊંચા ભાવે ગોઠવી દેવામાં આવી છે. આ ધંધામાં રેસ્ટોરન્ટ માલિકો સાથે ફૂડ બ્લોગર્સની ભૂમિકા પણ ઓછી નથી. કેમેરા સામે એક ચમચી ઓળો, એક ટુકડો રોટલો અને પછી વખાણનું એવું વાવાઝોડું કે જાણે આ વાનગીની શોધ ગઈકાલે જ થઈ હોય! મસ્ટ ટ્રાય, બેસ્ટ વિન્ટર ફૂડ, હિડન ગુજરાતી જ્વેલ જેવા શબ્દો સાથે રિલ્સ વાયરલ થાય. ગ્રાહક ત્યાં પહોંચે અને પછી હિડન જ્વેલ કરતાં હિડન ચાર્જિસ શોધવામાં વધુ સમય પસાર કરે!એ જ રીતે સાંજના સમયે પેટને હળવું રાખવા માટે ઘરે બનતી સાદી મેથી પાલકની ખીચડી હવે ગ્રીન સુપરફૂડ રિસોટો કે આયુર્વેદિક ડિટોક્સ ખીચડી બનીને પાંચસો રૂપિયાની પ્લેટમાં વેચાય છે. લીલી હળદર અને આખા લસણનું શાક જે દાદીમાના નુસખા અને ઔષધીય ગુણો માટે જાણીતું હતું તેને આજે ઈમ્યુનિટી બૂસ્ટર વિન્ટર ડેલિકસી જેવા ભારેખમ અંગ્રેજી શબ્દોમાં લપેટીને ધરખમ ભાવે વેચવામાં આવે છે. રસ્તા પર કોલસાની સગડી પર શેકાતો સાદો ભુટ્ટો (મકાઈ) પણ હવે સ્મોક્ડ કોર્ન વિથ હર્બ બટર બનીને મોલની બહાર ઊભો છે, જેની કિંમત આખી મકાઈના ખેતરના પાક કરતાં પણ વધુ લાગે!શિયાળામાં બનતી દેશી વાનગીઓમાં એક પ્રકારનું જબરદસ્ત ફૂડ માર્કેટિંગ ચાલે છે. સામાન્ય વાનગીને અસામાન્ય રીતે રજૂ કરવી, તેના મૂળ નામ સાથે સ્પેશિયલ – ઓથેન્ટિક – રોયલ – વિલેજ સ્ટાઈલ – ફાર્મ ફ્રેશ જેવા શબ્દો જોડવા અને પછી તેની કિંમત એવી રાખવી કે ગ્રાહકને વાનગીના સ્વાદ કરતાં બિલનો ભાવ વધુ યાદ રહે! રોટલાની સાથે પાંચ પ્રકારનાં શાક, ત્રણ પ્રકારની ચટણી, બે પ્રકારના ગરમાગરમ મિષ્ટાન, તરહતરહના અથાણાં, સલાડ, પાપડ, ગોળ, માખણ, છાશ અને વિશેષ થાળીનું પેકેજ જોડાય જાય. જેમજેમ થાળીમાં વાનગીઓ વધે છે તેમતેમ બિલમાં તો જાણે આખી વાડીની આવક ઉમેરાઈ ગઈ હોય!સવાલ એ નથી કે આ વાનગીઓ મોંઘી કેમ છે, સવાલ એ છે કે આપણે આપણા જ ખાનપાનને કેમ બ્રાન્ડિંગના ચશ્માંથી જોતા થઈ ગયા છીએ? જે વસ્તુ આપણા બાપદાદાઓએ સસ્તામાં સાદગીથી ખાધી, તેને આજે આપણે સ્ટેટસ સિમ્બોલ બનાવી દીધું છે. રેસ્ટોરન્ટના માલિકો અને ફૂડ બ્લોગર્સ પણ આ માનસિકતાનો પૂરો ફાયદો ઉઠાવે છે. માટીના કુલ્હડમાં છાશ આપવાથી કે ખાટલા પર બેસાડીને જમાડવાથી જો વાનગીની કિંમત ચાર ગણી થઈ જતી હોય તો એ ધંધો નહીં તો બીજું શું છે?શિયાળો તો આજે પણ એ જ છે. ઠંડી પણ એ જ પડે છે અને જમીનમાંથી ઊગતા શાકભાજી પણ એ જ છે. બદલાઈ છે તો માત્ર આપણી થાળીની આસપાસ ઊભી કરાયેલી ભ્રમજાળ. એટલે જ… જે દિવસે આપણે પ્રેઝન્ટેશન કરતાં પોષણ અને દેખાડા કરતાં દેશીપણાને સમજતા થઈશું તે દિવસે કદાચ આ શિયાળું વાનગીઓ ફરીથી સામાન્ય માણસની પહોંચમાં અને ઘરના રસોડાની શોભા બની રહેશે. ત્યાં સુધી તો ઠંડી કરતાં પણ વધુ ધ્રુજારી આ વાનગીઓના ભાવ જોઈને જ આવવાની છે.




