આત્મહત્યા કેસમાં દેશનાં 53 શહેરમાં રાજકોટનો બીજા નંબર : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો
જંક્શનમાં સ્ત્રી મિત્રના માં-બાપ આવી જતા યુવકે ફ્લેટના ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ
- Advertisement -
ડિપ્રેશનની બીમારીથી કંટાળી વૃધ્ધે નવા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
બહુમાળી ભવનમાં ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં મહિલા પ્યુને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા કોડીનારના યુવાને ફાંસો ખાઈ જીવ દીધો
- Advertisement -
રાજકોટમાં 24 કલાકમાં આપઘાતના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે આપઘાત કરનારા વ્યક્તિઓમાં બે યુવક, વૃદ્ધા અને વૃદ્ધનો સમાવેશ થાય છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં આત્મહત્યાનો સરેરાશ દર પ્રતિ એક લાખની વસ્તીએ 12.4 છે, જ્યારે રાજકોટ શહેરમાં આ દર 39.3 નોંધાયો છે. દેશનાં 53 મુખ્ય શહેરોની યાદીમાં આત્મહત્યાના દરની દૃષ્ટિએ રાજકોટ બીજા ક્રમે હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. રાજકોટમાં વર્ષ દરમિયાન 546 જેટલા બનાવો નોંધાયા હોવાનું પણ જણાવાયું છે.
રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં એક ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા શાપર પંથકના યુવકનું મોત નીપજ્યું છે અહીંયા રહેતી સ્ત્રી મિત્રને મળવા ગયો ત્યારે તેણીના માં-બાપ આવી જતા બીકના માર્યે બાલ્કનીમાંથી કૂદકો મારી દીધો હોવાની શંકાએ પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે જયારે કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલ એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળેથી પડતું મૂકી વૃધ્ધે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે ડિપ્રેશન સહિતની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે રાજકોટની બહુમાળી ભવન કચેરીમાં ફરજ બજાવતા મહિલા પ્યુને કચેરીમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત રાજકોટમાં રહેતા કોડીનાર પંથકના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં જંક્શન મેઈન રોડ સ્થિત જય એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા શાપર પંથકના યુવક દિલીપ રાઠોડનું મોત નીપજ્યું છે. સવારે 8થી 8.30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં યુવતીના ફ્લેટ પર તેના માતા-પિતા આવી પહોંચતા ડરના કારણે યુવકે બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા મૃતક દિલીપ રાઠોડ અને એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી તેની મિત્ર યુવતીની અન્યત્ર સગાઈ થવાની હોવાથી બંને સવારે ફ્લેટમાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીના માતા-પિતા આવી પહોંચતા બીકને લીધે યુવકે બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે ફ્લેટમાં યુવતીની એક અન્ય મિત્ર પણ હાજર હતી ત્રીજા માળેથી પટકાવાનો મોટો અવાજ આવતા નજીકના સફાઈ કામદારે જોઈને સ્થાનિકો તથા 108ને જાણ કરી હતી જ્યાં EMTએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ મામલો અકસ્માતનો છે, આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આજે રાજકોટના એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળે ફ્લેટ નંબર બી 901માં 83 વર્ષીય વૃદ્ધ કાંતિલાલ ગંગાજી રામાણી રહેતા હતા. આજે સવારના 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતા 108 અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ કાંતિલાલ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની દવા લેતા હતા. તેઓ માનસિક બીમારી અનુભવતા હતા અને સતત ડિપ્રેશનમાં રહેતા હતા. જેથી બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જે બન્ને પરણિત છે જેમાં દીકરો રાજકોટમાં સાથે રહેતો હતો અને દીકરી અમદાવાદ સાસરે રહેતી હતી. વૃદ્ધના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જયારે ત્રીજા બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરની બહુમાળી ભવન કચેરીમાં પ્યુન તરીકે કામ કરતા મહિલા કર્મચારી પ્રભાબેન રતિલાલ સરવૈયા નામના મહિલાએ પોતે જ્યાં બીજા માળે ભૂસ્તર શાસ્ત્રી વિભાગની કચેરીમાં ફરજ બજાવતા હોય ત્યાં પહોંચી સવારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા બનાવને પગલે પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે આ ઉપરાંત કાલાવડ રોડ પર સયાજી હોટેલ નજીક આવેલી આવાસ યોજનામાં રહેતાં રીયાઝભાઇ ઇસુબભાઇ શેખ ઉ.26 નામના યુવાને ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે મૃતક રીયાઝભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા મુંબઇની અલમાઝ નામની યુવતિ સાથે થયા હતાં. સંતાનમાં સાત મહિનાની દિકરી છે મૃતક મુળ કોડીનારનો વતની હતો. તેના પિતા માછીમારીનો વ્યવસાય કરે છે. પોતે અહિ પત્નિ સાથે રાજકોટ રહી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો ગઇકાલે બપોર બાદ પત્નિ પતિને કોલ કરવા છતાં રિસીવ ન થતાં તેણે પરિચીતને ઘરે તપાસ કરવા મોકલતાં દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં દરવાજો ખોલાતો ન હોઇ પત્નિ પણ ઘરે પહોંચી હતી. બાદમાં પોલીસને બોલાવી દરવાજો તોડાવતાં અંદર રીયાઝભાઇ લટકતી હાલતમાં મળ્યો હતો 108ના તબિબે તેને નિષ્પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તાલુકા પીએસઆઇ ડી. જે. જોષીએ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
સ્યુસાઇડ કેપીટલ રાજકોટમાં દર વર્ષે સરેરાશ ૫૪૬ આપઘાત
વર્ષ ૨૦૨૨માં ૩૪૨ પુરુષ અને ૨૦૮ મહિલા સહિત કુલ ૫૫૦ના મોત
વર્ષ ૨૦૨૩માં ૩૪૭ પુરુષ અને ૧૯૦ મહિલા સહિત કુલ ૫૩૭ના મોત.
વર્ષ ૨૦૨૪માં ૩૬૫ પુરુષ અને ૧૮૧ મહિલા સહિત કુલ ૫૪૬ ના મોત.
વર્ષ ૨૦૨૫માં ૩૪૪ પુરુષ અને ૧૫૫ મહિલા સહિત કુલ ૪૯૯ ના મોત.



