ફરસાણ, મીઠાઈ, પીણાં, ડ્રાયફ્રુટ, ચોકલેટ, કુકીઝ અને મુખવાસની મહેકમાં મહાલતી અનોખી મહેમાનગતિ
ગુજરાતી ઘર-પરિવારોમાં આસો-કારતકના તહેવારો એટલે ખાઓ-ખવડાવો
- Advertisement -
ભવ્ય રાવલ : લેખક-પત્રકાર
દશેરાની જલેબી-ફાફડાની મોજ હજુ જીભ પરથી ઓસરી ન હોય, શરદપૂનમની ચાંદનીમાં દૂધ-પૌંઆની ગળપણ ભળી હોય ત્યાં જ ઘરના રસોડામાં વર્ષો જૂનાં પિત્તળ-સ્ટીલનાં ભારેખમ તપેલાં-કડાઈઓ મંડાઈ જાય… એટલે સમજવું કે ગુજરાતીઓના આંગણે દિવાળી આવી ગઈ છે અને નવું વર્ષ ઊંબરે ટકોરા મારી રહ્યું છે. ગુજરાતીઓ માટે આસો-કારતકના તહેવારોનો એક અર્થ છે, સત્તાવાર રીતે ડાયેટને રજા આપીને સ્વાદની સલ્તનતમાં મહાલવાનો અવસર. ખાઓ અને ખવડાવો.
દિવાળી – નવું વર્ષ નજીક આવતાની સાથે જ સોસાયટી, શેરીઓ, પોળોની હવામાં દેશી ઘીની સુવાસ, અજમા-તલનો તમતમાટ, બેસન શેકાવાની ધીમી મહેક ફેલાવા લાગે છે અને ઘરનું રસોડું માત્ર રસોઈ બનાવવાની જગ્યા ન રહેતા આખા પરિવારનું મિલનકેન્દ્ર બની જાય છે. ઘરમાં શું બનશે, બજારમાંથી શું આવશે અને મહેમાનોને શું પીરસાશે તેની યાદી જાણે તહેવારો શરૂ થાય એ પહેલાં જ તૈયાર થઈ ગઈ હોય છે.
- Advertisement -
ગુજરાતીઓની દિવાળી – નવું વર્ષની ખરી ઓળખ એટલે તીખાં-તમતમતાં અને કુરકુરાં ફરસાણ. કડાઈમાં જ્યારે સિંગતેલ ગરમ થાય અને તેમાં મઠિયાં ફૂલીને દડા જેવાં બને, ચોળાફળી મોંમાં મૂકતાં જ ઓગળી જાય એટલી પોચી થાય, સંચામાંથી ગૂંચળાવાળી ચકરી કે તીખી સેવ ઉતરે ત્યારે આખા ઘરનો મિજાજ બદલાઈ જાય છે. ખમણ, ઢોકળા, ઢેબરાં, ગાંઠિયા, ફાફડા, સમોસા, કચોરી અને તીખા-મીઠા ચવાણાં, ચેવડો, શક્કરપારા, ફરસી પુરી, ખાજલીના ડબ્બા ભરાતા જાય તેમ તેમ તહેવારનો ઉમંગ બેવડાતો જાય. અઠવાડિયા લાંબા આ તહેવારોમાં ફરસાણ ખાતાં ખાતાં થતી વાતો અને હાસ્યની છોળો જ સાચી ગુજરાતી દિવાળી છે, અવનવી વાનગીઓ આરોગવાના દિવસો જ ગુજરાતીઓનું નવું વર્ષ છે.
ફરસાણની તીખાશ પછી જીભને તૃપ્ત કરવા માટે આવે મીઠી મધુર મીઠાઈઓ. ગુજરાતી મીઠાઈઓની દુનિયા એટલી વિશાળ છે કે દરેક પકવાનનો પોતાનો આગવો મિજાજ છે. મોંમાં મૂકતાં જ ઓગળી જતો ઘી નિતરતો મોહનથાળ, ચાસણીથી લથબથ ઘૂઘરા, શેકેલા માવાની ગરમાગરમ થાબડી, દૂધના કણીદાર પેંડા, જાળીદાર સોનપાપડી, ગળ્યા સાટા, કાજુકતરી, ગુલાબજાંબુ, બરફી અને મેસૂબ… આ મીઠાઈઓ માત્ર દૂધ, માવા, ખાંડ અને ઘીનું મિશ્રણ નથી પણ વરસભરની કડવાશ ભૂલીને સંબંધોમાં મીઠાશ ઘોળવાનું ઉત્તમ માધ્યમ છે. બદલાતા સમય સાથે હવે આ સદાબહાર વાનગીઓમાં કાજુ-બદામ, પિસ્તા-કિસમિસ, બકલાવા-ઍક્ઝોટીકા અને ડાર્ક-મિલ્ક ચોકલેટ-કુકીઝ જેવી અફલાતૂન આઈટમ્સ ભળીને આપણી મહેમાનગતિને વધુ શાહી – શાનદાર બનાવી રહી છે.
ફરસાણ, મીઠાઈ, ડ્રાયફ્રુટ, ચોકલેટ, કુકીઝ વગેરે બધું મળીને દિવાળી – નવું વર્ષની એવી યાદો રચે છે, જેનો સ્વાદ વર્ષો પછી પણ જીભ કરતાં હૃદય પર વધુ અનુભવાય છે. ફરસાણ અને મીઠાઈ વચ્ચે પીણાંની હાજરી મહેફિલને વધુ રંગીન બનાવે છે. કેમ કે આ ભારેખમ જ્યાફત વચ્ચે ગળાને તરબતર કરવા પીણાંની હાજરી અનિવાર્ય છે. કોઈ મહેમાન માટે ગુલાબ, ઓરેન્જ, કાલાખટ્ટા કે ખસનું ઠંડુંગાર શરબત બને તો કોઈ સ્વજન માટે જલજીરા સોડા કે મસાલા છાશ. અને જો સાંજનો પહોર હોય કે વહેલી સવારની મુલાકાત હોય તો આદુ-એલચીવાળી ગરમાગરમ ચા કે ફીણવાળી કોફી વિના તો મહેમાનગતિ અધૂરી જ ગણાય.
અને આ આખીય સ્વાદયાત્રાનું સમાપન ક્યાં થાય? ટીપોઈ પર ગોઠવાયેલા એકથી એક ચઢિયાતા મુખવાસના રળિયામણા દાબડા આગળ! લાકડાની કોતરણીવાળી કે ચાંદીની ચમકતી ટ્રેમાં કાચની નાનીનાની વાટકીઓની આખી હારમાળા સજી હોય. એમાં ધીમા તાપે શેકેલી કુરકુરી ધાણાદાળ અને વરિયાળી હોય, સંચળ લીંબુ નાખીને તૈયાર કરેલા તલ અને અજમો હોય, ઉનાળાથી સાચવી રાખેલી શેકેલી કેરીની ગોટલીની ચીરીઓ હોય અને મોંમાં મૂકતાં જ ચટાકો કરાવી દેતી ચટપટી હિંગ, હરડે, અનાર, આમળાંની પાચક વટીઓ ગોઠવાયેલી હોય. એક વાટકીમાંથી બીજી વાટકીમાં આંગળીઓ ફરતી રહે અને વાતોનો દોર લંબાતો જાય. છેલ્લે ગુલકંદથી લચપચતું જામનગરી મીઠું પાન જ્યારે મોંમાં મૂકાય ત્યારે મનમાંથી એક જ ઉદગાર નીકળે – વાહ, ધન્ય થઈ ગયા!
દિવાળી – નવું વર્ષના તહેવારો અને ગુજરાતીઓ વચ્ચેનો અપ્રતિમ નાતો એટલે નાસ્તો. ફરસાણથી સ્વાગત, મીઠાઈથી આવકાર, પીણાંથી તાજગી અને મુખવાસથી પૂર્ણતા. જાણે ગુજરાતી પરિવારોએ થાળીમાં પોતાનું નાનકડું વિશ્વ સજાવ્યું હોય. અને એટલે જ ગુજરાતીઓ માટે દિવાળી – નવું વર્ષ માત્ર તહેવાર નથી, એમાં આપણાઓથી લઈ અતિથિ પ્રત્યેનો અખૂટ આદર છે. ડબ્બા ભરીને પાડોશીઓને અપાતો નાસ્તો અને નવા વર્ષે ઘરે આવેલા સગાંવહાલાંને પ્રેમપૂર્વક આગ્રહ કરી કરીને પીરસાતી વાનગીઓ એ આપણી સાચી ખાનપાનમાનની પરંપરા છે. સ્વાદ અને સ્નેહનો આ અણમોલ સંગમ પેઢી દર પેઢી આમ જ મહેંકતો રહે છે અને દરેક ગુજરાતીના ઘર – પરિવારમાં દિવાળી – નવું વર્ષના તહેવારોને યાદગાર – શાનદાર બનાવી દે છે.



