મવડી, રૈયા અને નાના-મવામાં પ્રોપર્ટી વેચાણમાં 27 ટકા સુધીનો વધારોઃ સરકારી તિજોરીમાં ₹૭.૯૧ કરોડનો ઉમેરો
દસ્તાવેજોની સંખ્યાની દૃષ્ટિએ મોરબી રોડ સબ-રજિસ્ટ્રાર કચેરી મોખરે રહી
- Advertisement -
તહેવારોની મોસમ શરૂ થતાં જ રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લાના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. શ્રાદ્ધ પક્ષ ધરાવતા સપ્ટેમ્બર મહિનામાં રહેલી સામાન્ય મંદી બાદ ઑક્ટોબર મહિનામાં નવરાત્રી અને દશેરા જેવા શુભ મુહૂર્તોના પગલે જમીન-મકાનના સોદામાં મોટો ઉછાળો નોંધાયો છે. રાજકોટ શહેરની ૮ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં સપ્ટેમ્બર માસમાં નોંધાયેલા ૭,૯૮૧ દસ્તાવેજો સામે ઑક્ટોબરમાં આ સંખ્યા વધીને ૮,૯૫૪ પર પહોંચી ગઈ છે, એટલે કે માત્ર એક જ મહિનામાં ૯૭૩ દસ્તાવેજોના વધારા સાથે ૧૨.૧૯ ટકાનો ઉછાળો નોંધાયો છે. ભાદરવા મહિનામાં લોકોએ શુભ મુહૂર્ત સાચવવા માટે મિલકતોના બુકિંગ કર્યા હતા, જે તમામ દસ્તાવેજો નવરાત્રી અને દશેરા દરમિયાન નોંધાતા આ તેજી જોવા મળી છે.શહેરના નવા વિકસતા પશ્ચિમ વિસ્તારોમાં સૌથી વધુ લે-વેચ જોવા મળી છે, જેમાં નાના-મોટા મવા વિસ્તાર ૨૭.૧૦ ટકાના વધારા સાથે મોખરે રહ્યો છે; અહીં સપ્ટેમ્બરના ૭૮૨ સામે ઑક્ટોબરમાં ૯૯૪ દસ્તાવેજ થયા છે. આ ઉપરાંત રતનપરમાં ૨૧.૩૬ ટકા (૯૧૭થી વધી ૧,૧૧૩), સ્માર્ટ સિટી રૈયામાં ૨૧.૦૩ ટકા (૮૧૩થી વધી ૯૮૪) અને મવડી વિસ્તારમાં ૨૦.૯૪ ટકા (૧,૦૭૯થી વધી ૧,૩૦૫)નો વધારો નોંધાયો છે. દસ્તાવેજોની સંખ્યાની દ્રષ્ટિએ મોરબી રોડ સબ-રજિસ્ટ્રાર કચેરી મોખરે રહી છે, જ્યાં સૌથી વધુ ૨,૦૧૮ દસ્તાવેજો નોંધાયા છે. બીજી તરફ ખેતીની જમીનનું કામકાજ સંભાળતી રાજકોટ-૮ ગ્રામ્ય કચેરીમાં દસ્તાવેજ નોંધણી ૯૦૬થી ઘટીને ૮૩૦ થતાં ૮.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સપ્ટેમ્બરના ૧૨,૫૨૪ સામે ઑક્ટોબરમાં કુલ ૧૪,૦૯૧ દસ્તાવેજો નોંધાયા છે, જેના કારણે સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી પેટે થતી આવક ₹૭૪.૪૧ કરોડથી વધીને ₹૮૨.૩૨ કરોડ થઈ છે, આમ સરકારી તિજોરીમાં સીધો ₹૭.૯૧ કરોડનો વધારો નોંધાયો છે. તાલુકા કક્ષાએ પણ ગોંડલમાં ૧,૩૦૬, લોધિકામાં ૯૬૮, જેતપુરમાં ૭૧૦, કોટડાસાંગાણીમાં ૫૫૬, જસદણમાં ૩૯૧, ઉપલેટામાં ૩૭૭, પડધરીમાં ૩૨૮, ધોરાજીમાં ૨૮૨, વિંછીયામાં ૧૨૩ અને જામકંડોરણામાં ૯૬ દસ્તાવેજો નોંધાતાં સમગ્ર જિલ્લામાં પ્રોપર્ટી માર્કેટ ગરમાયું છે.




