11 મામલતદાર અને 6 ચીફ ઓફિસર સહિત 17ચાર્જ ઓફિસરોને સોંપાઈ વહીવટી જવાબદારીઃ 3400થી વધુ કર્મચારીઓ જોડાશે
- Advertisement -
રાજકોટ જિલ્લામાં આગામી ૧૦ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યભરમાં વસ્તી ગણતરીના આ બીજા તબક્કાની કામગીરી સુચારુ અને સફળ રીતે સંપન્ન થાય તે હેતુથી તાજેતરમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની મહત્વની બેઠક યોજાઈ હતી, જેના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહત્ત્વના કાર્યમાં ઉત્સાહભેર સહયોગ આપવા માટે નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.અધિકૃત કાર્યક્રમ અનુસાર, વસ્તી ગણતરીની પ્રક્રિયા વિવિધ તબક્કામાં હાથ ધરાશે. જેમાં ૧૦ થી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન નાગરિકો માટે સ્વ-ગણતરીનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ઘરે-ઘરે જઈને વિગતો નોંધવામાં આવશે. સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ ૦૧ થી ૦૫ માર્ચ, ૨૦૨૭ દરમિયાન પુનઃચકાસણી હાથ ધરાશે, જ્યારે વસ્તી ગણતરીની સંદર્ભ તારીખ અને સમય ૦૧ માર્ચ, ૨૦૨૭ના રોજ મધ્યરાત્રિએ ૦૦:૦૦ કલાકનો રહેશે.આ વિશાળ કામગીરીને પહોંચી વળવા માટે સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ ૩,૪૯૯ ગણતરી બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. વહીવટી મોનિટરિંગ અને ફિલ્ડ વર્ક માટે ૧૧ તાલુકા મામલતદાર અને ૬ ચીફ ઓફિસર સહિત કુલ ૧૭ ચાર્જ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજિત ૨,૯૦૨ ગણતરીદારો અને ૪૮૬ સુપરવાઈઝરોને ફિલ્ડ ડ્યૂટી સોંપવામાં આવી છે.
40 જેટલા મુદ્દાઓ પર વિગતો મેળવવામાં આવશે
- વ્યક્તિગત વિગતો: નામ, જન્મ તારીખ, ઉંમર, વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે ઉંમર, જીવનસાથીનું નામ, રાષ્ટ્રીયતા, ધર્મ અને જાતિ (SC/ST/અન્ય).
- શિક્ષણ અને રોજગાર: સાક્ષરતા, શૈક્ષણિક લાયકાત, ડિજિટલ સાક્ષરતા, માતૃભાષા અને અન્ય જાણીતી ભાષાઓ, રોજગાર અને વ્યવસાય સંબંધિત માહિતી.
- રહેઠાણ અને સ્થળાંતર: જન્મસ્થળ, અગાઉનું અને કાયમી રહેઠાણ, સ્થળાંતરનું કારણ તથા માતા-પિતાની વિગતો.
- અન્ય વિગતો: બાળકોની સંખ્યા, દિવ્યાંગતા, કોવિડ-૧૯ રસીકરણ, બેંક ખાતાની વિગતો તેમજ માન્ય ઓળખ દસ્તાવેજો.





