517 ગેસ સિલિન્ડર સાથે 7 શખ્સોની ધરપકડ : 15ને વોન્ટેડ જાહેર કરાયા, ઊંચા ભાવે કાળાબજાર કરતા
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ અને બીએનએસની કલમો હેઠળ બે ગુના
- Advertisement -
રાજકોટમાં ગેસના બાટલાની ગેરકાયદેસર રીફ્લીંગ અને સંગ્રહ કરી લોકોની જિંદગી જોખમમાં મુકનારાઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી છે શહેરના આહિર ચોક પાસે નહેરૂનગરના એક ઘર અને ગોડાઉનમાં દરોડો પાડી અહિથી 2 શખ્સોને 313 ગેસ સિલિન્ડર સાથે પકડી લીધા હતાં આ બંને અને વોન્ટેડ જાહેર કરાયેલા ૭ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બીજો દરોડો અટીકા ન્યુ નહેરૂનગર સાઉથ અને ન્યુ નહેરૂનગર આરતી મેઇન રોડ પર પાડી અહિથી પણ રીફીલીંગનું કૌભાંડ ચલાવતા 5ને પકડી લઇ 240 બાટલા કબ્જે કર્યા છે આ કેસમાં બીજા 8ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ગેસ એજન્સીના માણસો પણ સામેલ છે. ઘણા સમયથી આ રીફીલીંગનું કારસ્તાન ચાલતુ હોવાનું ખુલ્યું હતું. બંને દરોડામાં મળી એસએમસીએ કુલ 553 ગેસ સિલિન્ડર કબ્જે કર્યા છે બંને કેસમાં કુલ 22 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટના ઢેબર રોડ અટીકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ રીફીલીંગ ચાલતું હોવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત સાંજે અટીકા આહિર ચોક નહેરૂનગર-૬, ૮ અને ૧૦માં મકાન તેમજ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અહિ તપાસ કરતાં ગેસના બાટલાઓમાંથી રીફીલીંગ થતું જોવા મળ્યું હતું તપાસ બાદ આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે. જેમાં અમિત ધીરૂભાઈ ડાંગર તથા આશિષ રમેશભાઈ ગોગરાની ધરપકડ કરી ધીરૂ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, ઉમેશ પ્રભાતભાઈ બોરીચા, દ્વારકેશ ગેસ એજન્સીનો ડિલિવરી બોય સંજય ચાવડા, ફ્રીડમ ગેસ એજન્સીનો ડિલિવરી બોય સંજય રજપુત, રાજ નામનો માણસ અને જૈમિન ગેસ એજન્સીમાંથી બોટલો ડિલેવરી કરનાર તજુ નામનો માણસ સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પકડાયેલા આરોપીઓ અને વોન્ટેડ જાહેર થયેલા આરોપીઓ પોતાના તથા ભાડાના ગોડાઉનમાં કોમર્શિયલ તેમજ ઘર વપરાશના ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખી અન્ય બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતાં હતાં અને નિર્ધારીત બજાર કિંમત કરતાં ઉંચા ભાવે વેંચાણ કરતાં હતાં.
આ ઉપરાંત બીજો ગુનો સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે નોંધાયો છે એસએમસીની ટીમે ન્યુ નહેરૂનગર, શેરી નંબર-૪, આટીકા સાઉથ તેમજ ન્યુ નહેરૂનગર, આરતી મેઇન રોડ, શેરી નંબર-૨ ખાતે આવેલા મકાનોમાં દરોડા પડ્યા હતા. અહિથી 313 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતાં આ કેસમાં પોલીસે હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા, રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરીની ધરપકડ કરી છે જ્યારે જયમીન ગેસ એજન્સીનો માણસ રાજુ સોલંકી, જયમીન ગેસ એજન્સીનો માણસ કરણ લાવડીયા, મધુરમ ગેસ એજન્સીનો માણસ મંગાભાઈ, જય ભીમ ગેસ એજન્સીઓનો માણસ અરવિંદ નટ, એજીએસ પયોગ ગેસ એજન્સીનો હિતેશ ગગુભાઈ ચાવડા, મધુરમ ગેસ એજન્સીનો માણસ શૈલેષ ગગુભાઈ ચાવડા, રીક્ષા ડ્રાયવર ચંદુ રાઠોડ અને જીતેન્દ્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
- Advertisement -
પોલીસે 11.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉપરોક્ત બંને દરોડામાં અલગ અલગ સાઈઝના 517 ગેસ સિલિન્ડર, રિફિલિંગની 16 નોઝલ, રિલાયન્સ ગેસ લખેલા 44 સ્ટીકરના પાના, ગેસ સિલિન્ડર ઉપ્પર લગાડવાના 48 ઢાંકણા, 5 ઇલેક્ટ્રિક મોટર, 12 વજન કાંટા, 2 સાદા વજન કાંટા, 3 વાહન, 7 મોબાઈલ, રોકડ 1970 સહીત 11,45,946 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.




