કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સ્ટુડન્ટ કેરીબેગ અર્પણ કરાયાં
- Advertisement -
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહેશભાઈ રાજપૂત અને તેજસભાઈ ભટ્ટી સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની શૈક્ષણિક, રમતગમત અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓને બિરદાવવાના ઉમદા હેતુથી સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫ ઓક્ટોબર, રવિવારના રોજ સાંજે ૫ કલાકે રાજકોટના આનંદનગર સ્થિત રણછોડ બાપુ કોમ્યુનિટી હોલ, યુનિટ નં. ૧ ખાતે યોજાયેલા આ સમારોહમાં સમાજના અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજ્યસભાના સાંસદ માનસિંહજી પરમાર, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કે.એન. ખેર, રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જન ડૉ. કમલસિંહ ડોડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને કાર્યકારી ચેરમેન ઓબીસી વિભાગના મહેશભાઈ રાજપૂત સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન ધોરણ ૧થી ૧૨ તેમજ કોલેજ કક્ષાએ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર અને રમતગમત ક્ષેત્રે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષણ ઉપરાંત રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં મેળવેલી સિદ્ધિઓ સમાજ માટે ગૌરવ સમાન હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત આગળ વધવા, ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવા અને પોતાની પ્રતિભા દ્વારા સમાજ તથા દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેમની સિદ્ધિઓને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય તે હેતુથી દાતાઓ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. ધોરણ ૧થી ૧૨ અને કોલેજ ફેકલ્ટીમાં અભ્યાસ તેમજ રમતગમત ક્ષેત્રે પ્રથમથી ત્રીજા ક્રમાંક સુધી સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ કેરીબેગ અર્પણ કરવામાં આવી હતી. આ માટે ભવાની ધામ, વસ્તડીના તેજસભાઈ ભટ્ટી (કન્વીનર અને કો-ઓર્ડિનેટર) દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે તમામ સન્માનિત વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવાની સેવા વિજય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના અજયસિંહ કૃષ્ણસિંહ જાદવે સંભાળી હતી.
- Advertisement -
સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે, પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય પ્રોત્સાહન મળે અને નવી પેઢી ઉચ્ચ શિક્ષણ સાથે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા આશયથી યોજાયેલા આ સમારોહમાં સમાજની એકતા અને શૈક્ષણિક પ્રગતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહ માત્ર વિદ્યાર્થીઓના સન્માન પૂરતો સીમિત ન રહેતાં સમાજની આવનારી પેઢીને શિક્ષણ, સંસ્કાર અને સિદ્ધિના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપતો પ્રસંગ બન્યો હતો. વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવાની સાથે દાતાઓ અને સમાજના અગ્રણીઓના સહયોગથી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.




