વડાપ્રધાનનો રાહુલ ગાંધીને ટોણો-બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનું બનાવે છે
પીએમ મોદી ૩૦ અને આવતીકાલે ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹૧૪,૦૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹૧૯,૦૦૦ કરોડનો ૨૪મો હપ્તો રીલિઝ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે,બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે छे.
પીએમ મોદીએ કહ્યું, હમણાં હું સ્ક્રીન પર જોઈ રહ્યો હતો કે કદાચ દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય! દેશના લોકો માટે પણ આ એક અજાયબી હશે કે આ સભામાં બધા જ લોકો ખાટલા પર બેઠેલા છે. આપણા ગામડાઓની આ મહાન પરંપરાને આજે આપણા બનાસકાંઠાએ જીવંત કરી દીધી છે. જો કદાચ તમે પહેલેથી જ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ વાળાને જાણ કરી હોત, તો તેઓ આજે ચોક્કસપણે આને એક રેકોર્ડ તરીકે નોંધ કરી લેત. પીએમ મોદીએ કહ્યું, “૨૦૦૧માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી મુખ્યમંત્રી તરીકેનો પહેલો મોટો અને સાર્વજનિક કાર્યક્રમ ડીસામાં થયો હતો. લોક કલ્યાણ મેળાનો એ કાર્યક્રમ ઐતિહાસિક હતો, કેમ કે એક જિલ્લામાંથી ૩ લાખ લોકો હાજર રહ્યા હતા. આજે ૨૫ વર્ષ બાદ આ જ સ્થળે મને આવવાનો અવસર મળ્યો છે. માં અંબાના ચરણોમાં પ્રણામ કરું છું.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ૭ ઓક્ટોબરે સરકારના વડા તરીકે સેવા આપતાં તેમને ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ પહેલીવાર શપથ લીધા બાદ ગુજરાતની જનતાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે. તેમણે ગુજરાત સાથેના પોતાના લાગણીભર્યા સંબંધો યાદ કરતાં કહ્યું કે, આજે પણ ગુજરાતમાં લોકો તેમને ‘પ્રધાનમંત્રી સાહેબ’ કહીને સંબોધે તેના કરતાં ‘આપણા નરેન્દ્રભાઈ’ કહે તે વધુ ગમે છે.
- Advertisement -
10 કરોડ નાના ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ ટ્રાન્સફર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, માતૃશક્તિ, બાળકો, ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ સાથે દેશના અન્નદાતાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં નવું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વિકસિત ભારતના મજબૂત સ્તંભ સમાન ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતાં ૨૦૨૩-૧૪ની સરખામણીએ દેશનું કૃષિ બજેટ ૫ ગણાથી વધુ વધારવામાં આવ્યું છે. ‘પીએમ કિસાન સન્માન નિધિ’ અંતર્ગત દેશના આશરે ૧૦ કરોડ નાના ખેડૂતોના ખાતામાં ₹૧૮ હજાર કરોડથી વધુનો નવો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જેમાંથી ગુજરાતના ૫૦ લાખથી વધુ ખેડૂતોને ₹૧ હજાર કરોડથી વધુ અને બનાસકાંઠાના લાખો ખેડૂત પરિવારોને ₹૫૦ કરોડ જેટલી સીધી આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે.




