ગુજરાત સરકારે મામલતદાર, વર્ગ-2 સંવર્ગનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરવા અંગે મહત્ત્વનો ઠરાવ કર્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે 28 ઓક્ટોબર, 2026ના રોજ ઠરાવ બહાર પાડીને મહેસૂલ વિભાગ અને અન્ય વિભાગો હેઠળની મામલતદાર સંવર્ગની જગ્યાઓનું સંખ્યાબળ નિર્ધારિત કર્યું છે. આ ઠરાવ મુજબ સંવર્ગની મૂળ જગ્યાઓ, કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને પ્રતિનિયુક્તિની જગ્યાઓ સહિત કુલ 673 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.
ત્રણ કેટેગરીમાં 673 જગ્યાઓનું વર્ગીકરણ મહેસૂલ વિભાગના ઠરાવમાં મામલતદાર, વર્ગ-2 સંવર્ગની જગ્યાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમાં સંવર્ગની મૂળ જગ્યાઓ માટે 540, કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ માટે 118 અને પ્રતિનિયુક્તિની જગ્યાઓ માટે 15 જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ, ત્રણેય કેટેગરીની કુલ 673 જગ્યાઓનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવ્યું છે.
- Advertisement -
સરકારે આ જગ્યાઓની વિગતો ઠરાવ સાથે જોડવામાં આવેલા એનેક્ષર-1થી એનેક્ષર-3માં દર્શાવી છે. તેમાં મહેસૂલ વિભાગ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં મામલતદાર સંવર્ગના અધિકારીઓ માટેની જગ્યાઓનો સમાવેશ થાય છે.
તાલુકાથી લઈને કલેક્ટર કચેરી સુધીની જગ્યાઓનો સમાવેશ ઠરાવના એનેક્ષર-1માં મહેસૂલ વિભાગ હેઠળની મૂળ જગ્યાઓની વિગતો આપવામાં આવી છે. તેમાં તાલુકાઓમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની 264 જગ્યાઓ તથા શહેરી વિસ્તારોમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની 44 જગ્યાઓ દર્શાવવામાં આવી છે.




