ભાઈ ડૂબવા લાગતા છલાંગ લગાવનાર બહેન પણ મોતને ભેટી
ઘંટેશ્વર SDRFની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા : પરિવારમાં શોક
- Advertisement -
રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતાં એક પરિવારના ભાઇ-બહેનના ચેક ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં પરિવારજનો અને ગામમાં એરરાટી વ્યાપી ગઇ છે. બહેન કપડા ધોઇ રહ્યા હતાં અને ભાઇ ન્હાવા માટે પાણીમાં જતાં
ડૂબવા માંડતા તેને બચાવવા જતાં બહેન પણ ડૂબી ગયાનું ખુલ્યું હતું. રાજકોટ ઘંટેશ્વર એસડીઆરએફની ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ સરધાર રહેતાં કાંતાબેન ગોરધનભાઇ સોલંકી ઉ.40 નામના મહિલા ગઇકાલે ગામના ચેકડેમ ખાતે કપડા ધોવા ગયા હતાં આ વખતે તેમના મોટાભાઇ મનુભાઇ ગોરધનભાઇ સોલંકી ઉ.45 પણ સાથે ગયા
હતાં. કાંતાબેન કપડા ધોઇ રહ્યા હતાં ત્યારે તેમના ભાઇ મનુભાઇ ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતાં પણ તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતા બહેન કાંતાબેન તેમને બચાવવા જતાં તે પણ ડૂબી ગયા હતાં મોડી સાંજ સુધી
બંને ઘરે ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં ડેમના કાંઠે કપડા, ચપ્પલ વગેરે પડયા હોઇ બંને અંદર ડુબી ગયાની શંકા ઉપજી હતી. બનાવની જાણ થતાં રાજકોટ ઘંટેશ્વર એસડીઆરએફની ટીમના પીએસઆઇ આર. એ.
ચુડાસમા અને ટીમના 17 જવાનો તુરત જ જરૂરી બોટ, રીંગ સહિતના સાધનો સાથે પહોંચ્યા હતાં પાણીમાં શોધખોળ બાદ આ ટીમે બંનેના મૃતદેહ શોધી કાઢી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ આજીડેમ પોલીસને થતાં
પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં મેહુલભાઇ ડી. મુંધવા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર મનુભાઇ સોલંકી બે ભાઇમાં
મોટો હતો જ્યારે કાંતાબેન આ બે ભાઇના એકના એક બહેન હતાં નાનો ભાઇ માનસિક અસ્વસ્થ હોઇ મોટા ભાઇ, બહેન તેને સાચવતા હતાં કાંતાબેન છુટાછેડા બાદ દસેક વર્ષથી બંને ભાઇઓ સાથે જ રહેતાં હતાં આ બનાવથી
પરિવાર અને ગામમાં શોક વ્યાપી ગયો છે.




