પંજાબ-હરિયાણા હાઇકોર્ટે 6 વર્ષની બાળકીની કસ્ટડી માતાને સોંપી
બાળકનું કલ્યાણ અને સર્વોત્તમ હિત જ સર્વોપરી, પરિવારની પ્રતિષ્ઠા કે અધિકાર નહીંઃ અદાલતનું સ્પષ્ટ તારણ
- Advertisement -
પતિ કુવૈત સ્થાયી થયો અને સાસરિયાંએ બાળકી છીનવી લીધી હોવાનો મહિલાનો આક્ષેપઃ હાઇકોર્ટનો બંધારણીય હસ્તક્ષેપ
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં છ વર્ષની બાળકીની કસ્ટડી તેના પિતાના પરિવાર પાસેથી લઈને માતાને સોંપવાનો આદેશ કર્યો છે. આ બાળકી ઓક્ટોબર ૨૦૨૫થી પિતાના પરિવાર પાસે રહેતી હતી.
કેસની સુનાવણી કરતાં જસ્ટિસ સુમિત ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે નાની વયના બાળકના સર્વાંગી વિકાસ માટે માતાનો સ્નેહ, હૂંફ અને સંભાળ અનિવાર્ય હોવાથી સામાન્ય સંજોગોમાં કસ્ટડી માતા પાસે જ હોવી જોઈએ. જોકે,
અદાલતે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે કસ્ટડી અંગેનો કોઈપણ નિર્ણય લેતી વખતે બાળકના હિત અને કલ્યાણને જ સર્વોપરી ગણવું જોઈએ. કેસની વિગત મુજબ, અરજદાર મહિલાના લગ્ન ડિસેમ્બર ૨૦૧૪માં થયા
હતા અને માર્ચ ૨૦૨૦માં દીકરીનો જન્મ થયો હતો. બાદમાં પતિ કુવૈત જઈને સ્થાયી થયો હતો, જ્યારે મહિલા સાસુ-સસરા અને સંબંધીઓ સાથે રહેતી હતી. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પતિની ગેરહાજરીમાં
સાસરિયાના એક સંબંધીએ તેને વાંધાજનક મેસેજ મોકલી છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સાસરિયાં સમક્ષ રજૂઆત કરવા છતાં તેને ચૂપ રહેવા દબાણ કરાયું હતું. આખરે ૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તે દીકરી સાથે નીકળી
ત્યારે સાસરા પક્ષના લોકોએ રસ્તામાં જ તેની પાસેથી બાળકી છીનવી લીધી હતી.
બીજી તરફ, સાસરા પક્ષે મહિલાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતાં દલીલ કરી હતી કે મહિલા પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હતી અને બાળકીની સારસંભાળ તેના દાદા-દાદી દ્વારા યોગ્ય રીતે લેવામાં આવી રહી
હોવાથી તેને ગેરકાયદે કસ્ટડી ગણી શકાય નહીં. હાઈકોર્ટ સમક્ષ બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા. અદાલતે અવલોકન કર્યું હતું કે બાળકની કસ્ટડી એ કોઈ સંબંધીના હક કે પારિવારિક પ્રતિષ્ઠાનો
વિષય નથી, પરંતુ માત્ર અને માત્ર બાળકના કલ્યાણનો સવાલ છે. બાળકના સર્વોત્તમ હિતને ધ્યાને રાખીને યોગ્ય સંજોગોમાં અદાલત અસાધારણ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને હસ્તક્ષેપ કરી શકે છે તેમ જણાવી બાળકીને
તેની માતા પાસે સોંપવા હુકમ કર્યો હતો.




