ખેડૂતોને પ્રતિ હેક્ટર ૮,૫૦૦ સહાય અને પશુદીઠ રોજના ૮૦ રૂપિયા બે મહિના સુધી ચૂકવાશે: રાહત દરે ઘાસચારાની વ્યવસ્થા કરાશે
રાજ્યમાં નહિવત વરસાદના પગલે સર્જાયેલી અછતની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે નિર્ણય લીધો
- Advertisement -
રાજ્યમાં નહિવત વરસાદના પગલે સર્જાયેલી અછતની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધન કરતાં કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ ચાર જિલ્લાઓને સત્તાવાર રીતે ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કર્યા છે. વરસાદની ઘટને કારણે ખેડૂતો અને પશુપાલકો દ્વારા પાણી તેમજ ઘાસચારાની કરવામાં આવી રહેલી માંગને ધ્યાને રાખીને સરકારે તાત્કાલિક ધોરણે આ રાહત પેકેજની જાહેરાત કરી છે.
પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા આ ચારેય જિલ્લાના ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ૮,૫૦૦ લેખે સહાય ચૂકવવામાં આવશે. જેનાથી મુશ્કેલીમાં મુકાયેલા હજારો ખેડૂત પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સુવિધા, રાહત દરે પૂરતા ઘાસચારાની ઉપલબ્ધતા તેમજ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલક નિરાધાર ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ બજેટ અને તંત્રને યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં આવ્યું છે.
- Advertisement -
અછતની સ્થિતિમાં અબોલ પશુધનને બચાવવા માટે સરકારે પશુદીઠ રોજના બે મહિના સુધી ૮૦ ચૂકવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પશુઓ માટે પૂરતા પ્રમાણમાં રાહત દરે ઘાસચારો મળી રહે તે માટે સંબંધિત જિલ્લાઓમાં ઘાસ ડેપો અને વિતરણ વ્યવસ્થા સઘન બનાવવાનો આદેશ અપાયો છે. પીવાના પાણી અને રોજગારી સહિતના રાહત કાર્યો પણ યુદ્ધના ધોરણે શરૂ કરવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.




