ઠેર-ઠેર મંડપ ઊભા કરી કરાયું વ્યંજનોનું વેચાણ; વહેલી સવારથી જ ખરીદી માટે કતારો લાગી
ભાવનગર શહેરમાં આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમનો પર્વ પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આધ્યાત્મિકતા અને સ્વાદોત્સવના આ સમન્વય સમા પર્વ નિમિત્તે ભાવનગરવાસીઓએ ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ અને પંજાબી સમોસા સહિતના સ્વાદિષ્ટ વ્યંજનોનો મન મૂકીને આનંદ માણ્યો હતો. શરદ પૂનમના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના નાના-મોટા તમામ વિસ્તારોમાં અગાઉથી જ મંડપ-શમીયાણા ઊભા કરવામાં આવ્યા હતા અને મીઠાઈ-ફરસાણના વેપારીઓ દ્વારા ઊંધિયાનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવ્યું હતું. સ્વાદપ્રિય ભાવનગરવાસીઓ માટે શરદ પૂનમે ઊંધિયું-પુરી આરોગવાનું એક વિશેષ આકર્ષણ રહેલું છે. આ અંગે દવે મીઠાઈવાળાના કિશનભાઈએ જણાવ્યું હતું કે, શરદ પૂનમના રોજ સવારથી જ સ્વાદપ્રિય શહેરીજનોએ ઊંધિયું ખરીદવા માટે ઉત્સાહભેર કતારો લગાવી હતી. ભાવનગરના લોકોના પ્રિય વ્યંજનોમાં ઊંધિયાનું સ્થાન મોખરે રહ્યું છે, જેનાથી સમગ્ર શહેરમાં ઉત્સવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.




