વધતી માંગ સામે સ્થાનિક કેન ઉત્પાદન અપૂરતું : પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ખોરવાઈ
જો તમે પણ મિત્રો સાથે બીયરની મજા લેવાના શોખીન છો અથવા ઉનાળામાં સોફ્ટ ડ્રિંક્સ પીવાનું પસંદ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાલમાં ભારતના બજારમાં બીયર અને
સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીઓ એક મોટી અને ગંભીર પેકેજિંગ કટોકટીનો સામનો કરી રહી છે. આ કટોકટી પીણાંની નહીં, પરંતુ જેમાં આ પીણાં પેક થાય છે તેવા એલ્યુમિનિયમ કેનની છે. આ સમસ્યાને કારણે બજારમાં કેટલાક
લોકપ્રિય ઉત્પાદનોના પુરવઠા પર સીધી અસર પડી શકે છે. હવે સામાન્ય ગ્રાહકોના મનમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે અચાનક આ એલ્યુમિનિયમ કેનની અછત કેમ ઊભી થઈ અને શું ખરેખર બજારમાંથી બીયર
ગાયબ થઈ જશે? છેલ્લા ૨ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં બીયર અને સોફ્ટ ડ્રિક્સ માટે પેકેજિંગ તરીકે એલ્યુમિનિયમ કેનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. ગ્રાહકો હવે કાચની બોટલ કરતાં કેન
ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે છેલ્લા ર વર્ષમાં કેનવાળા પીણાંનો વેચાણ હિસ્સો બમણો થઈ ગયો છે. હાલમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કુલ વાર્ષિક વેચાણમાં કેનનો હિસ્સો ૨૫ ટકા એટલે કે એક
ક્વાર્ટરથી પણ વધુ નોંધાયો છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે બજારમાં જે ઝડપે કેનની માંગ વધી છે, તે ઝડપે તેનું ઉત્પાદન વધી શક્યું નથી. સ્થાનિક ઉત્પાદનોની આ મર્યાદિત ક્ષમતાને કારણે બજારમાં કેનનો જંગી
શોર્ટફોલ ઊભો થયો છે.
માંગ સામે ઉત્પાદન તો ઓછું છે જ, પણ પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે કરી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો
છે. બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કંપનીઓને દેશમાં વધારાના ૬૦૦ મિલિયન એલ્યુમિનિયમ કેનની તાત્કાલિક જરૂર છે, પરંતુ
હાલમાં આ આંકડાનો માત્ર ૫૦ ટકા હિસ્સો જ મળી રહ્યો છે. ભારતની મુખ્ય કેન ઉત્પાદક કંપનીઓ હાલમાં તેમની ૧૦૦ ટકા ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરી રહી છે. ઉત્પાદન વધારવા માટે નવી મશીનરી અને નવી પ્રોડક્શન
લાઈન સ્થાપિત કરવી પડે, જેમાં ઓછામાં ઓછો ૧ વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. તેથી તાત્કાલિક આ અછતને દૂર કરવી શક્ય નથી. કંપનીઓ બીયર અને સોફ્ટ ડ્રિંક્સ માટે વપરાતા એલ્યુમિનિયમ કેનની ગંભીર
પેકેજિંગ કટોકટીનો સામનો કરી રહી છે. આનાથી બજારમાં લોકપ્રિય ઉત્પાદનોના પુરવઠા પર સીધી અસર પડી શકે છે.




