રાજકોટમાં ફટાકડાના હંગામી સ્ટોલની મંજૂરી માટે ધમધમાટ: 205માંથી 191 અરજીઓની ચકાસણી શરૂ
1000 લિટર પાણીની ટાંકી, હોઝરીલ, ફાયર એક્સટિંગ્વિશર (CO2 અને ABC) તેમજ ફાયર મોડ્યુલર રાખવા પડશે
- Advertisement -
દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને રાજકોટમાં કામચલાઉ ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે ફાયર વિભાગમાં અરજીઓનો ધમધમાટ શરૂ થયો છે. ફાયર વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, હંગામી ફટાકડા સ્ટોલના લાયસન્સ માટે અત્યાર સુધીમાં કુલ ૨૦૫ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ પૈકી ૧૩ થી ૧૫ જેટલી અરજીઓ માટે સ્થળ તપાસ કરીને ‘ફાયર સેફ્ટી ઓપિનિયન’ ઇશ્યૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીની ૧૯૧ જેટલી અરજીઓ હાલ વેરિફિકેશન, ચેકિંગ અને પ્રોસેસિંગ હેઠળ રાખવામાં આવી છે.
ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, ૫૦૦ ચોરસ મીટરથી ઓછો વિસ્તાર ધરાવતા કામચલાઉ સ્ટોલ કે દુકાનોને ફાયર NOC માંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તેમના માટે ફાયર સેફ્ટી ઓપિનિયન મેળવવો ફરજિયાત રહેશે. અકસ્માત નિવારણ અને સુરક્ષાના ભાગરૂપે તમામ સ્ટોલધારકો માટે ૧૦૦૦ લિટર ક્ષમતાવાળી પાણીની ટાંકી, પાણી છાંટવા માટે હોઝરીલ, CO2 અને ABC પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલર જેવા પ્રાથમિક અગ્નિશામક સાધનો રાખવા અનિવાર્ય કરવામાં આવ્યા છે. આ તમામ નિયમો ગત વર્ષથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે અને સુરક્ષાના સાધનોની પૂરતી ચકાસણી બાદ જ સ્ટોલ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.




