પ્રોવિડન્ટ ફંડમાં પગાર મર્યાદા વધારો શરતી નીકળ્યોઃ સરકારે પોતાનું 1.16% યોગદાન વધારવાનો ઇનકાર કર્યો
નોકરિયાત વર્ગ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) હેઠળ પગાર મર્યાદા ₹૧૫,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ કરવાની જાહેરાત બાદ હવે આ નિર્ણય શરતી હોવાનો મોટો ખુલાસો થયો છે. પગાર મર્યાદા વધવાથી લાખો નવા
કર્મચારીઓ સામાજિક સુરક્ષા અને પેન્શનના દાયરામાં આવશે તેવો પ્રચાર કરાયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પ્રોવિડન્ટ ફંડમાં અપાતા પોતાના ૧.૧૬ ટકાના યોગદાનમાં કોઈ વધારો કરશે નહીં.
સરકારના આ નિર્ણય મુજબ, કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ કાપ ₹૨૫,૦૦૦ સુધીના પગાર પર થશે, પરંતુ વધારાના પગાર પર સરકાર તરફથી મળવાપાત્ર ૧.૧૬ ટકાનો હિસ્સો મળશે નહીં. સરકારનું યોગદાન માત્ર ₹૧૫,૦૦૦
સુધીના મૂળ પગાર પૂરતું જ સીમિત રહેશે. આ ગણતરી અનુસાર, સરકાર તરફથી મળતું માસિક યોગદાન મહત્તમ ₹૧૭૪ જ રહેશે, જે નિયમ મુજબ ₹૨૯૦ થવું જોઈતું હતું. મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં
આવી છે કે વેજ સીલિંગ વધવા છતાં સરકાર તરફથી અપાતા આર્થિક યોગદાનનું માળખું યથાવત રાખવામાં આવ્યું છે. જોકે, નિષ્ણાતોના મતે સરકારના આ નિર્ણયથી પેન્શનની રકમ પર સીધી કોઈ પ્રતિકૂળ અસર પડશે નહીં,
કારણ કે પેન્શનની ગણતરી કર્મચારીની નોકરીના વર્ષો અને આખરી પગારના આધારે કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ પર વાર્ષિક ચૂકવાતું આશરે ૮ ટકાથી વધુનું વ્યાજ અને રોકાણના વળતરમાં ઘટ પડે ત્યારે
બાકીની રકમ આપવાની સરકારી વ્યવસ્થા પૂર્વવત ચાલુ રહેશે.




