કાગળ પર પાર્ટી બનાવી ડોનેશન લેતા, 7 સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં ફરી એક રાજકીય પાર્ટીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આમ જનમત પાર્ટી નામના માત્ર કાગળ પર અસ્તિત્ત્વ ધરાવતા રાજકીય પક્ષે તેના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બોગસ ડોનેશન તથા ખોટા ખર્ચાઓ દર્શાવી ૨૫૦ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યુ છે. ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખૂલ્યું છે કે વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન આ પાર્ટીના બેંક ખાતામાં ૮૪૩,૯૭,૪૩,૭૯૩ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. જેમાં મોટા કરદાતાઓને ૧૦૦% ટેક્સ કપાતનો લાભ અપાવી બોગસ કંપનીઓ અને આંગડિયા પેઢીઓ મારફતે પોતાનું કમિશન કાપીને મૂળ રકમ રોકડમાં પરત કરવામાં આવતી હતી. આ ટેક્સ ચોરી કૌભાંડ મામલે ઈન્કમ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ જનમત પાર્ટી જેનો નોંધણી નં. 56/246/2019/PPS-1 અને તેના હોદેદારોએ ભેગા મળીને સરકાર અને ઈન્કમ ટેક્સ વિભાગ સાથે છેતરપિંડી કરવા માટે એક મોટું કાવતરું રચ્યું હતું. આ કૌભાંડમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ તથા આકાશ સોની સામેલ હતા. આ તમામ આરોપીઓએ માત્ર કાગળ પર જ રાજકીય પાર્ટી ઊભી કરી અને કોઈ પણ પ્રકારના ઓરિજિનલ વાઉચર, બિલ કે સાચા હિસાબો રાખ્યા વગર જ ખોટા ઓડિટ રિપોર્ટ્સ તૈયાર કરીને સરકારી પોર્ટલ પર અપલોડ કરી દીધા હતા. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન આમ જનમત પાર્ટીના બેંક ખાતાઓમાં કુલ ૮૪૩,૯૭,૪૩,૭૯૩ રૂપિયાથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હતા. આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા અને સરકારી તિજોરીને આશરે ૨૫૦ કરોડ રૂપિયા જેટલું જે ડોનેશનની ૩૦% રકમ થાય છે મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ કૌભાંડ મામલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ, કેન્દ્રીય વર્તુળ દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ પાર્ટીના તમામ સંડોવાયેલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- Advertisement -
આ પ્રકારે આચરાતું હતું કરોડોનું કૌભાંડ
આ છેતરપિંડીની મુખ્ય મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તે દેશના મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ ચેનલથી પાર્ટીના બેંક ખાતામાં મોટું ડોનેશન લેતા હતા. જેના આધારે દાતાઓ ઈન્કમ ટેક્સ હેઠળ ૧૦૦ ટકા ટેક્સ કપાત મેળવતા હતા. ત્યારબાદ, પાર્ટીના ખાતામાંથી આ નાણાં ચૂંટણી પ્રચાર, રેલી કે જાહેરાતના ખોટા ખર્ચાઓ બતાવીને પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી બોગસ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ રૂપિયા આંગડિયા પેઢીઓ મારફતે રોકડમાં ઉપાડી પોતાનું નક્કી કરેલું કમિશન કાપી લઈને બાકીની રકમ રોકડા મૂળ દાતાઓને પાછી આપી દેવામાં આવતી હતી.



