‘રેવાળ ચાલ’ એવી કે પાણી ભરેલા ગ્લાસમાંથી ટીપું પણ ન પડે
‘હાલાજી તારા હાલ વખાણું, પટ્ટી તારા પગલાં વખાણું’ સૌરાષ્ટ્રની ધરતી પર યુગોથી ગૂંજતી આ જૂનવાણી લોકવાણીની પંક્તિઓ આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સચોટ સાબિત થઈ રહી છે. કાઠિયાવાડી નસલના ઘોડાઓ તો વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, પરંતુ જ્યારે ‘પટ્ટી નસલ’ના અશ્વની વાત આવે ત્યારે તેનો રૂઆબ જ કંઈક અનોખો હોય છે. બાલાનીવાવ ગામના એક યુવાનનો પટ્ટી નસલનો અશ્વ હાલ પોતાના અદ્ભુત કૌશલ્યને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
બાલાનીવાવ ગામે રહેતા રવિરાજ ધીરુભાઈ વરૂ નામના યુવકનો અશ્વપ્રેમ આજે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રવિરાજભાઈ પાસે કાઠિયાવાડી પટ્ટી નસલનો ‘મલંગ’ નામનો એક અત્યંત શાનદાર ઘોડો છે. પરિવારમાં પેઢીઓથી ચાલી આવતી અશ્વપ્રેમની ભવ્ય પરંપરાને આ યુવાને આજના આધુનિક યુગમાં પણ પૂર્ણ ગૌરવ સાથે જીવંત રાખી છે. ‘મલંગ’ ઘોડાની મુખ્ય ખાસિયત તેની અનોખી અને મનમોહક ચાલ છે. આ અશ્વ થલ, રોડિયું અને રેવાળ જેવી શાનદાર ચાલ ચાલી શકે છે. જ્યારે તે રેવાળ ચાલમાં હોય છે ત્યારે તેની ઝડપ આશરે ૩૪ થી ૩૫ની રહે છે. આ ઘોડાની સૌથી મોટી અને અદ્ભુત ખૂબી એ છે કે દોડતી વખતે જો તેની પીઠ પર પાણીનો ભરેલો ગ્લાસ મૂકવામાં આવે, તોપણ પાણીનું એક ટીપુંય નીચે પડતું નથી!
અશ્વને આ કક્ષાએ તૈયાર કરવા માટે રવિરાજે છેલ્લા એક વર્ષથી દિવસ-રાત એક કરીને ભારે આકરી મહેનત કરી છે. ઋતુ પ્રમાણે ઘોડાના ખોરાક અને દાણા-પાણીનું ખાસ ધ્યાન રાખીને તેને આ વિશિષ્ટ તાલીમ આપવામાં આવી છે. આશરે ચાર મહિના પહેલાં પંજાબથી લાવવામાં આવેલા આ ‘મલંગ’ ઘોડા માટે અનેક લોકો મોટી રકમ અને માલામાલ કિંમત ચૂકવવા તૈયાર છે, પરંતુ રવિરાજભાઈનું સ્પષ્ટ કહેવું છે કે આ તેમનો દિલથી શોખ છે, કોઈ વ્યાપાર નહીં. આજના દોડધામભર્યા સમયમાં જ્યાં યુવાધન આધુનિક દોડમાં વ્યસ્ત છે, ત્યાં બાલાનીવાવના આ યુવકે આપણી પ્રાચીન અશ્વ સંસ્કૃતિ અને કાઠિયાવાડી પટ્ટી નસલના ગૌરવને પુનઃ ઉજાગર કરીને અનેક યુવાનો માટે એક પ્રેરણાદાયી રાહ ચીંધી છે.




