કેન્દ્ર સરકારના આંકડામાં ચોંકાવનારો ખુલાસો: બિહાર અને પશ્ચિમ બંગાળ કરતાં ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ અનેકગણું વધુ
પાક લોનનો બોજ જ રૂ. 1.05 લાખ કરોડને પાર : મોંઘા બિયારણ, ખાતર અને અનિયમિત વરસાદે ખેડૂતોની કમર તોડી
- Advertisement -
ગુજરાતને દેશનાં આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્થાન મળ્યું છે, પરંતુ રાજ્યની ખેતી અને ખેડૂતોની આર્થિક સ્થિતિને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા મુજબ ગુજરાતના ખેડૂતો રૂ. 1,68,460.93 કરોડના દેવાના બોજ તળે દબાયા છે. પાક લોન રૂ. 1,05,097.25 કરોડ અને ટર્મ લોન રૂ. 63,363.68 કરોડ પર પહોંચી છે. બિહાર-પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર છે. મોંઘા બિયારણ, ખાતર અને હવામાનના મારથી ખેડૂતો પાયમાલ થયા છે. દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની ઘટથી દુષ્કાળનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેથી ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે.
કૃષિપ્રધાન રાજ્યોના ખેડૂતો દેવાના કેટલા ગંભીર બોજ હેઠળ જીવી રહ્યા છે તેનો ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓ પરથી થયો છે. પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા મોટા રાજ્યો કરતાં પણ આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કૃષિ દેવાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, એકલા ગુજરાતના ખેડૂતો પર જ રૂ. 1,68,460.93 કરોડનું જંગી લોનનું ભારણ બાકી છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે રાજ્યનો ખેડૂત દિન-પ્રતિદિન વધુ ને વધુ દેવાદાર બની રહ્યો છે.
ગુજરાતમાં ખેડૂતોની ટૂંકા ગાળાની ‘પાક લોન’નો બોજ રૂ. 1,05,097.25 કરોડ પર પહોંચી ગયો છે. બિહારમાં રૂ. 44,001 કરોડ અને પશ્ચિમ બંગાળમાં રૂ. 38,248 કરોડનું પાક ધિરાણ છે, જે બંને રાજ્યોના સંયુક્ત પાક ધિરાણ કરતાં પણ ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ ઘણું વધારે છે. આ ઉપરાંત કર્ણાટક, કેરળ, બિહાર, ઓડિશા, ગોવા, પંજાબ, દિલ્હી અને તેલંગાણા સહિતના રાજ્યો કરતાં પણ ગુજરાતની પાક લોન ઘણી વધુ છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાતના ખેડૂતોને દર સીઝનમાં બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને વીજળી જેવા રોજિંદા ખર્ચ માટે બૅન્ક પર જ નિર્ભર રહેવું પડે છે.
- Advertisement -
ખેતીના આધુનિકીકરણ, ટ્રેક્ટર ખરીદી અને ટપક સિંચાઈ જેવા લાંબા ગાળાના રોકાણો માટે લેવાતી ‘ટર્મ લોન’ પેટે પણ ગુજરાતના ખેડૂતોના રૂ. 63,363.68 કરોડ બાકી બોલે છે. બૅન્કો લોન આપીને આર્થિક રીતે સધ્ધર થઈ રહી છે, પરંતુ તેની સામે ગુજરાતના ખેડૂતો આજે દેવાતળે દબાઈને દેવાળિયા બની રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, પણ વાસ્તવિકતામાં ખેડૂત દેવાના ચક્રવ્યૂહમાં વધુ ઊંડો ફસાતો જાય છે.
ગુજરાતમાં આજે ખેતી કરવી અત્યંત મોંઘી બની ગઈ છે. ખાતરથી માંડીને જંતુનાશક દવાઓ જ નહીં, પરંતુ ખેતમજૂરીના દરો પણ આસમાને પહોંચ્યા છે. આ ઉપરાંત બદલાયેલા હવામાન, અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદને કારણે ખેતીને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે, જેના પરિણામે ખેડૂતોએ ભારે આર્થિક ફટકો વેઠવો પડ્યો છે. ખેતી માટે બેંકમાંથી લોન લીધા પછી એવી પરિસ્થિતિ સર્જાય છે કે ખેડૂતો માટે લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ બની જાય છે. ચાલુ વર્ષે પણ દ્વારકા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે, જેના કારણે ખેત ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સ્થિતિમાં હવે ગુજરાતના ખેડૂતોના માથે દુષ્કાળનો ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે. ખેતીમાં પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાતા રાજ્યના ખેડૂતોએ સરકારી સ્તરે દુષ્કાળ જાહેર કરીને યોગ્ય આર્થિક વળતર આપવાની માંગ બુલંદ બનાવી છે.




