‘ખાસ ખબર’ના સ્ટિંગ ઓપરેશનમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણનો પર્દાફાશ
રોજ 200થી 300 લોકો દેશી દારૂ પીવા માટે આ અડ્ડા પર આવતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
- Advertisement -
દિવસે લાકડાનું વેંચાણ, રાત્રે દેશી દારૂની મહેફિલ!: પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાઓ અમલમાં હોવાના દાવા વચ્ચે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ ચોકી પાસે જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. ‘ખાસ ખબર ન્યૂઝ’ની ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટીંગ ઓપરેશનમાં પોલીસ ચોકી નજીક જ દેશી દારૂના કથિત ખુલ્લેઆમ વેચાણ અને સ્થળ પર બેસીને દારૂ પીતા લોકોનાં દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. આ સમગ્ર મામલે પોલીસની સતર્કતા અને દારૂબંધીના અમલ સામે સવાલો ઊભા થયા છે.
સ્ટીંગ ઓપરેશન દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, આજીડેમ પોલીસ ચોકી વિસ્તારના મુખ્ય માર્ગ નજીક એક લાકડાની ઝૂંપડીમાં કથિત રીતે દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે. દિવસ દરમિયાન આ સ્થળે લાકડાનું વેચાણ થતું હોવાનું અને રાત્રિના સમયે અહીં દેશી દારૂનો અહો હોવાનું સામે આવ્યુ છે. આ સ્થળે માત્ર દારૂનું વેચાણ જ નહીં, પરંતુ ત્યાં બેસીને દારૂ પીવા માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્થળ પર લાઈટ, બેસવા માટે બાકડાં, પાણી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ સ્થળે રોજ અંદાજે ર૦૦થી ૩૦0 લોકો દેશી દારૂ પીવા માટે આવતા હોવાનો આસપાસના લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
ઇંડાની લારીથી અડ્ડા સુધી પહોંચાડવા માટેની ખાસ વ્યવસ્થા
‘ખાસ ખબર ન્યૂઝ’ની ટીમ જ્યારે આ કથિત દારૂના અડ્ડા પર સ્ટીંગ ઓપરેશન માટે પહોંચી ત્યારે સ્થળની બહાર ઇંડાની લારી જોવા મળી હતી. ત્યાં બેઠેલો એક વ્યક્તિ દારૂ પીવા આવતા લોકોને અડ્ડા સુધી પહોંચાડવામાં મદદ કરતો હોવાનું પણ સામે આવ્યુ છે. આ બાબત જો તપાસમાં સાચી સાબિત થાય તો દારૂના વેચાણની સાથે ગ્રાહકોને સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કાર્યરત છે.




