યુવાની જેવી ઝડપ નહીં પણ સમજણની ઊંડાઇ અને નાની ખુશીઓ માણવાની ક્ષમતા વધે છે
રેખા પટેલ : લેટ્સ ટોક
- Advertisement -
જીવનનો ઉત્તરાર્ધ માત્ર અંત તરફ જતી યાત્રા નથી, પરંતુ અનુભવથી સમૃદ્ધ નવી શરૂઆત છે. આ શરૂઆતમાં કદાચ યુવાની જેવી ઝડપ ન હોય, પરંતુ તેમાં સમજણની ઊંડાઈ છે, સંબંધોની કદર છે અને નાની નાની ખુશીઓને માણવાની ક્ષમતા છે.
પચાસ વર્ષ પછીનો બદલાવ માત્ર શારીરિક નથી હોતો, માનસિક બદલાવ પણ એટલો જ મહત્ત્વનો છે.
એક ચોક્કસ ઉંમર પછી પોતાના શોખને અલવિદા કહીને ભક્તિ અને ધર્મમાં મન પરોવવું એ જ જીવનનું સત્ય નથી.
પરંતુ હા, હકારાત્મકતા, માનસિક શાંતિ અને આત્મસંતોષ જીવનનો ભાગ બને તે જરૂરી છે.
પછી ભલે એ શાંતિ ભક્તિમાં મળે, પોતાના શોખમાં મળે, કુદરતના સાંનિધ્યમાં મળે કે પ્રિયજનો સાથે વિતાવેલી પળોમાં મળે.
જીવનનો ઉત્તરાર્ધ અચાનક શરૂ થતો નથી. એ તો ધીમે ધીમે આપણા જીવનમાં પ્રવેશતો એવો સમય છે, જેની શરૂઆત ઘણી વાર શરીર કરતાં પહેલાં મનમાં થાય છે. ઉંમર વધે એ પહેલાં જ મન થાકવા લાગે, વિચારો અને જીવનને જોવાનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાવા લાગે છે.
- Advertisement -
એટલે જ, આ સમય આપણા મન પર હાવી થાય એ પહેલાં આપણે એને સ્વીકારી લેવો જોઈએ.
ઉંમર સાથે લડવાને બદલે ઉંમર સાથે જીવતાં શીખવું જોઈએ.
પંચાવન સાઠ વર્ષ પછી જે વસ્તુઓ શોખ મહત્વના લાગતા હતાં જે ખુશી આપતા હતાં એનું એટલું મહત્વ રહેતું નથી. સ્વાસ્થ્ય, મનની શાંતિ, સારા અને સાચા સંબંધો, મિત્રો અને પોતાની સાથે વધુ વ્યસ્ત રહેવાની કળા એ જ ખુશીનું કારણ બની જાય છે.
મારી માટે જીવનમાં વ્યસ્ત રહેવું જરૂરી છે, અકારણ વ્યસ્તતા પાછળ જ કોઈ મોટી સિદ્ધિ નથી. ક્યારેક નિરાંતે બેસીને ચા પીવી અને સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવો શાંતિથી આભમાં વિહરતા પંખીઓને જોવા આ બધું પણ જીવનનો સુંદર અનુભવ બની શકે છે.
જીવનનો ઉત્તરાર્ધ એટલે ધીમે ધીમે બધાથી દૂર થવાનો સમય નથી. તે પોતાની જાતની વધુ નજીક જવાનો સમય છે. વર્ષો સુધી બીજાઓને સમજ્યા પછી હવે પોતાની જાતને સમજવાનો સમય છે. પોતાની પસંદ-નાપસંદને ઓળખવાનો, મનની વાત સાંભળવાનો અને જીવનને થોડું વધુ સરળ, સ્વસ્થ અને આનંદમય બનાવવાનો સમય છે.
જીવનના ઉત્તરાર્ધમાં શારીરિક ફેરફારો સ્વાભાવિક છે. શરીર કદાચ પહેલાં જેટલી ઝડપથી સાથ ન આપે, પરંતુ તેની સામે જીવનનો અનુભવ, સમજણ અને પરિપક્વતા આપણી મૂડી બની જાય છે.
શરીરની એનર્જી પણ ધીમે ધીમે પોતાની મર્યાદાઓ બતાવે. કેટલીક બાબતો માટે બીજાની મદદ લેવી પડે અને રોજિંદા જીવનની નાની-નાની બાબતો પણ ક્યારેક પડકારરૂપ બને છે. જે વજન સહેલાઈથી ઉઠાવી શકાતું હતું કે જે બોટલ કે બરણી એક હાથથી ખુલતા હતા તેની માટે પણ બીજાની મદદ લેવી પડે ત્યારે ઉંમરની અસર વર્તાય છે એમ જાણવું.
આ તબક્કામાં સૌથી મોટો પડકાર પણ મનનો જ હોય છે અને સૌથી મોટી શક્તિ પણ મનની જ હોય છે. જો માણસ સતત એવું વિચારતો રહે કે હવે પહેલાં જેવું કંઈ રહ્યું નથી, હવે દેખાવ બદલાઈ ગયો છે, એ રુપ નથી રહ્યું તો સમય ખરેખર ભારરૂપ બની જશે.
પરંતુ જો વિચારવામાં આવે કે હવે જ જીવનને પોતાની પસંદગી પ્રમાણે જીવવાનો સમય મળ્યો છે.
દેખાવ પ્રત્યે આકર્ષણ કરતાં આત્મવિશ્વાસ અને લાગણી વધે તો વ્યક્તિત્વ વધુ આકર્ષિત થાય છે એ વાત જો સમજાય તો એ જ ઉત્તરાર્ધ જીવનનો સૌથી સુંદર સમય બની શકે છે.
આપણે જીવનનો મોટો હિસ્સો પરિવાર, સંતાનો, નોકરી અને જવાબદારીઓ માટે જીવ્યા હોઈએ છીએ. હવે સમય છે પોતાના માટે, અધૂરી ઈચ્છાઓ પુરી કરવાનો પ્રયાસ કરવાનો છે. નવી વસ્તુ શીખવાનો, મિત્રો સાથે સમય વિતાવવાનો કે શાંતિથી પુસ્તક વાંચવાનો પણ પોતાનો આનંદ છે.
યુવાનીમાં જે વાતો સમજાતી નહોતી તે હવે વધુ સ્પષ્ટ દેખાય છે. કયા સંબંધો સાચા છે, શું ખરેખર મહત્વનું છે અને જીવનમાં શું મેળવવા કરતાં શું અનુભવવું વધુ જરૂરી છે તેની સમજ આ ઉંમરે વધુ ઊંડી બને છે.
“ઉંમર વધતા ભલે સમય ઘટે પરંતુ જીવનની કિંમત ઘટતી નથી. હકીકતમાં સાચી કિંમત સમજાય છે.”યુવાનીમાં આપણે સમય પાછળ દોડીએ છીએ, જ્યારે જીવનના ઉત્તરાર્ધમાં સમયને માણવા પણ સમય જોઈએ છે.
જીવન કેટલાં વર્ષનું છે એ આપણા હાથમાં નથી, પણ વધેલાં એ વર્ષોને કેટલી સમજણથી અને કેવી રીતે જીવવાના છે એ આપણા હાથમાં છે. જીવનના ઉત્તરાર્ધ માટે માત્ર પૈસાની બચત પૂરતી નથી. સંબંધોની પણ બચત કરવી પડે છે.
ગમતા વ્યક્તિઓ સાથે સમયસર વાત કરી લેવી જોઈએ.
સંબંધોમાં અહંકાર કરતાં
લાગણીઓને વધારે મહત્ત્વ આપવું.
માફી માંગવી કે આપવી હોય તો એ કામ સમય રહેતાં કરી દેવું જોઈએ.
કારણ પરંતુ “મનની શાંતિ અને પોતાના માણસોની હાજરી એજ જીવનના ઉત્તરાર્ધમાં સૌથી મોટું બેંક બેલેન્સ છે.”
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, આર્થિક રીતે સ્વતંત્ર રહેવાનો એકલતા સાથે પ્રેમ કરતા શીખવું જોઈએ. પરિસ્થિતિ સાથે પોતાની જાતને પણ બદલવાની તૈયારી રાખવી જરૂરી છે.
કારણ કે ઉંમર વધે છે ત્યારે માત્ર શરીર બદલાતું નથી, જીવનની વ્યાખ્યા પણ બદલાય છે.
જીવનની સવાર અને બપોર પોતાની રીતે સુંદર હોય છે, પરંતુ જીવનની સાંજ પણ ઓછી સુંદર નથી. સાંજનો પ્રકાશ નરમ હોય છે, પરંતુ તેમાં દિવસભરના અનુભવનો અજવાસ સાથે શાંતિની અનુભૂતિ પણ હોય છે.



