રાજકોટમાં પાણી ચોરી કરનારા સામે મનપા કાર્યવાહી કરશે : વોર્ડ વાઇઝ ચેકીંગ સ્ક્વોડ
ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ચોરી કરતા બીજીવાર ઝડપાયા તો પોલીસ ફરિયાદ થશે
- Advertisement -
પાણીનો બગાડ કરનારા આસામીઓ સામે રૂ. 250 નો દંડ વસૂલાશે
ચેકિંગ સ્ક્વોડમાં વિવિધ શાખાના મેનેજરોને ટીમ લીડર તરીકે નિયુક્ત કરાયા
રાજકોટમાં અપૂરતા વરસાદને કારણે ચાલુ વર્ષે પાણી પુરવઠા માટે સંપૂર્ણપણે નર્મદા નીર પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી પરિસ્થિતિમાં પાણીના એક-એક ટીંપાનો બચાવ થાય અને ગેરકાયદેસર પાણી ચોરી અટકે તે માટે મ્યુ. કમિશનર તુષાર સુમેરા દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરમાં અલગ-અલગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધા બાદ હવે મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ 18 વોર્ડમાં પાણી ચોરી રોકવા માટે સ્પેશિયલ ચેકિંગ સ્ક્વોડની રચના કરી છે. જેમના દ્વારા ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ચોરી કરનારાઓને દંડ ફટકારવામાં આવશે. એક જ વ્યક્તિ બીજીવાર ઝડપાય તો પોલીસ ફરિયાદ કરી મોટર જપ્ત કરવામાં આવશે. તો વાલ્વમેનોની બેદરકારી સામે પણ કડક કાર્યવાહી કરવા કમિશનરે તૈયારી દર્શાવી છે.
- Advertisement -
મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે થતી પાણીની ચોરી, ડાયરેક્ટ પમ્પિંગ તેમજ ભૂતિયા નળ જોડાણ અટકાવવા માટે વોર્ડ વાઇઝ ટીમ બનાવીને ઘરે-ઘરે ચેકિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ચેકિંગ સ્ક્વોડમાં વિવિધ શાખાના મેનેજરોને ટીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ ટીમના સભ્યો તરીકે ડેપ્યુટી ઇજનેરો અને વોર્ડ ઓફિસરોનો સમાવેશ કરાયો છે. ચેકિંગ કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે જે તે વોર્ડના ડેપ્યુટી ઇજનેરને બદલે અન્ય વોર્ડના ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વોટર વર્ક્સ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, વર્ક આસિસ્ટન્ટ અને ફીટર જેવા કર્મચારીઓ પણ આ ટીમમાં સામેલ રહેશે.
તમામ ટીમોને તેમના સુપ્રત કરાયેલા વિસ્તારમાં પાણી વિતરણ સમયે ફેરણી કરીને સઘન ચેકિંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. કમિશનરના આદેશ મુજબ જો કોઈ નાગરિક પ્રથમ વખત ઇલેક્ટ્રિક મોટર મૂકીને ડાયરેક્ટ પમ્પિંગ દ્વારા પાણી ચોરી કરતા પકડાશે, તો તેની મોટર જપ્ત કરી રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવશે. જો આસામી 4 દિવસમાં દંડ નહીં ભરે તો નળ જોડાણ કાપી નાખવામાં આવશે. દંડ ભર્યા પછી પણ 30 દિવસમાં મોટર ન લઈ જવામાં આવે તો મહાપાલિકા તેને ભંગારમાં વેચી દેશે. જો એ જ નાગરિક બીજી વખત પાણી ચોરી કરતા ઝડપાશે તો મોટર પરત આપવામાં નહીં આવે, નળ જોડાણ કાયમી ધોરણે કાપી નાખવામાં આવશે અને તેની સામે સંબંધિત કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
પ્રથમ વખત ભૂતિયા નળ જોડાણ પકડાશે તો રેગ્યુલાઈઝ કરવાની તક અપાશે : ફરી પકડાયા તો રૂ. 5,000 નો દંડ
ભૂતિયા નળ જોડાણ ધારકો સામે પણ કમિશનરે આકરા પગલાંની જાહેરાત કરી છે. જો પ્રથમ વખત ભૂતિયા નળ જોડાણ પકડાશે તો તેને રેગ્યુલાઈઝ કરવા માટેની તક આપવામાં આવશે. પરંતુ જો રેગ્યુલાઈઝ ન કરાવે અને એ જ સ્થળેથી ફરીથી ભૂતિયા નળ જોડાણ ઝડપાશે તો રૂ. 5,000 નો દંડ કરવામાં આવશે તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અને પાણી ચોરી અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય પાણીનો બગાડ કરનારા આસામીઓ સામે રૂ. 250 નો દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
અધિકારીઓ પાણીની ક્વોલિટી ચકાસવાની કિટ સાથે રાખશે : રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરા
રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, પાણી ચોરી રોકવા વોર્ડવાઇઝ એક સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, જેમાં નિયમિતતા, યોગ્ય ફોર્સ અને ગુણવત્તાયુક્ત પાણી પૂરું પાડવા પર મુખ્ય ફોકસ છે. હવે તમામ અધિકારીઓ પાણીની ક્વોલિટી ચકાસવાની કિટ પણ સાથે રાખીને જ ફરશે અને સ્થળ પર જ ટેસ્ટ કરીને પાણીનું ચેકિંગ કરશે. સાથે જ, પાણીની ચોરી કે બગાડ થતો હશે તો ત્યાં જ કડક એકશન લેવાશે. ઉપરાંત, સમગ્ર શહેરમાં વાલ્વના ટાઇમિંગ ફિક્સ રહેશે અને જો ઓપરેશનમાં વાલ્વમેન કે અન્ય કોઈ પણ અધિકારી ક્ષતિ કે બેદરકારી કરશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે. હું પણ તમામ નાગરિકોને અપીલ કરૂં છું કે આપણે પાણી બચાવવાનું છે, પાણીનો વ્યય કરવાનો નથી કે ગેરકાયદેસર પાણી ચોરી કરવાની નથી.




