‘વકીલોએ રેન્ટ એક્ટ પાછો ખેંચો’ના નારા લગાવ્યા
હડતાલમાં રાજ્યની તમામ કોર્ટ, ટ્રિબ્યુનલ, ન્યાયિક-અર્ધન્યાયિક સત્તાધિકારીઓ અને રેવન્યુ કચેરીના કેસોથી વકીલો સ્વૈચ્છિક રીતે અળગા રહ્યા
- Advertisement -
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. રાજ્યના ૧૮૨ વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શિત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કર્યું હતું. જે મુજબ રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત રાજ્યની તમામ અદાલતોમાં આજે વકીલો હડતાલ પાડી હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કરવામાં આવ્યું હતું . જેને પગલે હાઈકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. વકીલો કામથી અળગા રહેવાથી ચાલી રહેલા કેસોને પણ તેની અસર થશે. હાઈકોર્ટની એક પણ કોર્ટમાં ખાનગી વકીલો ઉપસ્થિત રહ્યા નથી.તમામ કોર્ટની આજની ઓન ડાયસ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આજની મુદતો લંબાવવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલી અમદાવાદ મેટ્રો કોર્ટ, ઘી કાંટા થઈને ઈન્કમટેક્સ સુધી યોજી છે.




