૬.૫૭ લાખની છેતરપીંડી અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતો ગુનો
રાજકોટ જીલ્લાના સુપેડી ગામે રહેતા અને નિવૃત તલાટી મંત્રી જયંતિલાલ પ્રાગજીભાઈ ભેંસદડીયા (ઉં.વ. ૬૯) ઓનલાઈન ફ્રોડ બન્યાની ફરીયાદ કરી હતી. જેમા આરોપીઓએ કંકોત્રીના નામે મોબાઈલમાં ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી રૂ.૬.૫૭લાખ ઓન લાઈન ટ્રાન્સફર કરી લીધાનુ જણાવતા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.પોલીસ ફરીયાદમાં જયંતિલાલએ જણાવ્યુ હતુ કે તા.૧૪ માર્ચના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી એપીકે નામની ફાઈલ આવી હતી. તેમણે આ ફાઈલ ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ખુલી નહોતી. ત્યારબાદ તેમના પરિચિત વિજયભાઈ પરમારે ફોન કરીને વાત કરી
હતી જેમા મોબાઈલમાં મેસેજ આવ્યા બાદ તેમનો મોબાઈલ હેક થઈ ગયો છે અને આવી કોઈ ફાઈલ ખોલવી નહીં. જયંતિલાલે તુરંત તે ફાઈલ ડીલીટ કરી દીધી હતી અને પોતાનું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ચેક કર્યું હતું. શરૂઆતમાં કોઈ પૈસા ઉપડ્યા નહોતા, પરંતુ થોડા દિવસો બાદ સાયબર ગઠીયાઓએ મોબાઈલનો એક્સેસ મેળવીને તેમના બેંક એકાઉન્ટમાંથી બારોબાર પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. તા.૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ જયંતિલાલને રૂ. પાંચ હજાર ઉપડયાનો મેસેજ આવતા તેમણે બેંક એકાઉન્ટ ચેક કર્યું હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે ૨૩ માર્ચે ૬૦ હજાર અને ૨૫ માર્ચે ૫૭ હજાર એમ કુલ રૂ.૬.૫૭ લાખ ઉપડી ગયા હોવાનુ જણાવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.




