અંડર- 11 અને અંડર-16 કેટેગરીમાં 533 બાળ ખેલાડીઓએ અજમાવ્યું બુદ્ધિબળ, વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત
- Advertisement -
બાળકો અને યુવા ખેલાડીઓમાં બૌદ્ધિક રમત ચેસ પ્રત્યે રસ અને કૌશલ્ય ખીલે તેવા હેતુ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારે ‘કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ’ ખાતે ભવ્ય ‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં U-11 અને U-16 કેટેગરીમાં કુલ ૫૩૩ બાળ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન મેયરશ્રી ડૉ. નેહલ શુક્લના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મેયરએ બાળ ખેલાડીઓ સાથે ચેસ રમીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.આ અવસરે ઉપસ્થિત બાળકો અને વાલીઓને સંબોધતા મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, “બાળપણ એ શીખવાનો સુવર્ણ કાળ છે. આ સમયગાળામાં કલા અને કૌશલ્ય દ્વારા જીવનની કેડી કંડારવા તેમજ ખેલકૂદના માધ્યમથી ખેલદિલીની ભાવના કેળવવી જરૂરી છે. ‘ખૂબ રમો અને જીતો, ખેલેગા વહી ખીલેગા’ના મંત્ર સાથે રાજકોટના રમતવીરો આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં દેશ-દુનિયામાં રાજકોટનું નામ રોશન કરે તેવી શુભેચ્છા છે.”કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ કર્યું હતું. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ૫૦૦થી વધુ સ્પર્ધકોની સહભાગિતા ખૂબ જ પ્રોત્સાહક છે અને બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે મનપા દ્વારા ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રહેશે.આ સ્પર્ધામાં અંડર-૧૧ (U-11) કેટેગરીમાં ૨૪૧ તેમજ અંડર-૧૬ (U-16) કેટેગરીમાં ૨૯૨ મળી કુલ ૫૩૩ બાળકોએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. બંને કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ પાંચ વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા શિલ્ડ અને તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.




