રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિર યોજાઈઃ શહેરીજનો ઉત્સાહભેર જોડાયા
માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે યોગ સાધકોનો જમાવડો, મેયર નેહલ શુક્લએ સ્વચ્છતા અને નિયમિત યોગ કરવાની અપીલ કરી
- Advertisement -
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટના રેસકોર્સ સ્થિત માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે વહેલી સવારે ભવ્ય ‘યોગ અને ધ્યાન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહી યોગમય બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વસ્થ જીવનશૈલી અને સ્વચ્છતાનો સંકલ્પ દોહરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીએ ઉપસ્થિત સાધકોને તાડાસન, વજ્રાસન, ગરુડાસન સહિતના વિવિધ આસનો અને ધ્યાનનો સઘન અભ્યાસ કરાવ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, “યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને અમૂલ્ય વિરાસત છે. યોગ આપણને વિકાસ અને વિરાસત બંને સાથે જોડે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર સેવાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ નિયમિત યોગ માટે સમય ફાળવે છે, ત્યારે આપણે સૌએ પણ યોગને દિનચર્યાનો હિસ્સો બનાવી ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’માં યોગદાન આપવું જોઈએ. યોગ મનને મંદિર અને તનને ઊર્જાવાન બનાવે છે. સ્વસ્થ નાગરિકો થકી જ સ્વસ્થ અને વિકસિત ભારતનું નિર્માણ શક્ય બનશે.”મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે નાગરિકોની તંદુરસ્તી પાયાની જરૂરિયાત છે. તેમણે શહેરીજનોને નિયમિત યોગ કરવાની સાથે મહાનગરપાલિકા હસ્તકના કોઈ પણ યોગ સેન્ટર જો બંધ હાલતમાં હોય તો તંત્રનું ધ્યાન દોરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે સ્વચ્છ રાજકોટ માટે જાહેરમાં કચરો ન ફેંકવા અને સફાઈ જાળવવા અપીલ કરી હતી.આ યોગ અને ધ્યાન શિબિરમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, અગ્રણી માધવ દવે, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




