કેમિકલયુક્ત પાણીથી 10 હજાર એકર જમીન બરબાદઃ ખેડૂતોમાં રોષ
કૉંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર ગંભીર આક્ષેપ અને કેન્સરથી મોતના આંકડા જાહેર કર્યા
- Advertisement -
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પાંચ ગામોમાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના નિકાલ સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ભેટાવાડા ગામે છેલ્લા ૨૫ દિવસથી ચાલી રહેલા આ આંદોલનને સમર્થન આપવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે. આ આંદોલન પૂર્વે જીજ્ઞેશ મેવાણીએ ભેટાવાડા, નેસડા, પાલડી, આંબારેલી અને ત્રાસદ ગામોનો પ્રવાસ કરી સઘન જનસંપર્ક કર્યો હતો અને સ્થાનિક નાગરિકોની વેદના જાણી હતી. સરકાર સામે આકરા પ્રહારો કરતા જીજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે શાસકો ઉદ્યોગપતિઓની હિતેચ્છુ બનીને બેઠા છે. નગરપાલિકા અને ખાનગી કંપનીઓની મિલીભગતથી ખુલ્લેઆમ છોડાતા ઝેરી અને કેમિકલયુક્ત પાણીના કારણે ધોળકા તાલુકાની ૧૦,૦૦૦ એકર ફળદ્રુપ જમીન બરબાદ થઈ ગઈ છે.
આ ઉપરાંત પ્રદૂષણને કારણે વિસ્તારમાં ૫૪ નાગરિકોના કેન્સર જેવી ભયાનક બીમારીથી મોત થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જે જનહિતની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. આ ગંભીર સમસ્યા સામે રોષ વ્યક્ત કરતા મેવાણીએ આગામી ૨૪મી તારીખે ‘ધોળકા બંધ’નું એલાન આપ્યું છે તેમજ પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે પ્રશાસનને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ દૂષિત પાણીના પ્રશ્નનો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે, તો આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં શાસક પક્ષે ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.




