સર્વેશ્વર ચોક કા રાજાની મહાઆરતીમાં ભક્તિનો રંગ છવાયો
શાળાના નાના ભૂલકાઓએ દુંદાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી
- Advertisement -
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સર્વેશ્વર ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ સતત જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવ અંતર્ગત યોજાયેલી મહાઆરતીમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક આગેવાનો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દુંદાળા દેવની આરતીનો લાભ લીધો હતો.
મહાઆરતીમાં કુમાર પ્રિન્ટના અજીતભાઈ ચૌહાણ અને કુમારભાઈ ચૌહાણ સહપરિવાર, તેમજ કિરણ ઇલેક્ટ્રોનિકના રાજુભાઈ પટેલ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ભગવાન ગણેશજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શહેરના અન્ય મહાનુભાવો તથા સામાજિક અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના પુત્ર તથા રાજકોટ શહેર ભાજપ મંત્રી કિશનભાઈ પટેલે સર્વેશ્વર ચોક કા રાજાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન આજે સવારે જીનીયસ સ્કૂલ અને પી.વી. મોદી સ્કૂલના નાના ભૂલકાઓએ પણ સર્વેશ્વર ચોક કા રાજાના દર્શન કર્યા હતા. બાળકોમાં ગણપતિ બાપ્પાના દર્શનને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાનકડા ભક્તોએ દુંદાળા દેવના દર્શન કરી ભક્તિભાવ સાથે આશીર્વાદ મેળવ્યા હતા. સર્વેશ્વર ચોક ખાતે ચાલી રહેલા ગણેશ મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાતી આરતી, દર્શન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોને કારણે સમગ્ર વિસ્તાર ગણેશમય બન્યો છે.




