39 પેઢીની તપાસ, 60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ અને 37 નમૂના લેવાયા
તહેવારોને ધ્યાને રાખી મીઠાઈ-માવાના સ્થળોએ દરોડા
- Advertisement -
છાત્રાલયો-રેસ્ટોરન્ટ્સ સહિત 10 એકમને અસ્વચ્છતા અંગે નોટિસ; રૂ. 7,500નો દંડ વસૂલાયો
ગણેશ ચતુર્થીના તહેવારોને અનુલક્ષીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં વ્યાપક સર્વેલન્સ અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા અને હાઈજેનિક સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે ફડ સેફ્ટી ઓફિસરોની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૩૯ પેઢીઓ, હોસ્ટેલ્સ અને રેસ્ટોરન્ટ્સની ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન બહુચરાજી સ્વીટ નમકીન બેકરી (યુનિવર્સિટી રોડ) ખાતેથી ઉત્પાદનની તારીખ વિનાની અને વાસી થયેલી ૬૦ કિલો ખાજલીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતી ૧૦ પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. ૭,૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ ફુડ સેફ્ટી એક્ટ હેઠળ ૩૭ જેટલા શંકાસ્પદ નમૂના એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. એસઓજી (SOG) પોલીસને સાથે રાખીને હાથ ધરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં કેવડાવાડી મેઇન રોડ સ્થિત ‘વોલ્ગા ઘી ડીપો’ પેઢીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં વેચાણ અને ઉત્પાદન અર્થે રખાયેલા હોમમેડ કાઉ ઘી, ગૌશાળા શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનુ પ્રીમિયમ ઘી તેમજ લૂઝ શુદ્ધ ઘી મળીને કુલ ૬ નમૂના લેવામાં આવ્યા હતા. તહેવારો દરમિયાન મીઠાઈ અને મોદકની માંગ વધતી હોવાથી વિવિધ મોદક અને મિઠાઇના નમૂના લેવાયા હતા.




