રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
પીસીબી, આજી ડેમ, માલવિયા પોલીસે 1.28 લાખની મતા કબ્જે કરી
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે જુદા જુદા ત્રણ દરોડામાં જુગાર રમતી 3 મહિલા સહીત 20ની ધરપકડ કરી 1,27,500નો મુદામાલ કબ્જે કર્યો છે પીસીબી, આજી ડેમ અને માલવીયાનગર પોલીસે આ કાર્યવાહી કરી હતી. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ એમ ડી ઝાલા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરવા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા જય ચંદ્રકાન્તભાઈ સૂચક, ધવલ કાંતિભાઈ છેલાણી, રાજેશ ગોવિંદભાઇ મેર, ભરત ધીરુભાઈ ટાંક, મહેશ છગનભાઇ હતવાણી, ગૌતમ ગુલાબગિરિ અપારનાથી અને શિલ્પાબેન મનીષભાઈ અધરેશાની ધરપકડ કરી રોકડા 97,400 કબ્જે કર્યા હતા આજી ડેમ પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં મનીષભાઈ શિરોડિયા સહિતની ટીમે ત્રંબા ગામે કલ્યાણ પાર્કમાં દરોડો પાડી મકાનમાં જુગાર રમતા અજય બાબુભાઇ કુકડીયા, દિગેશ રમેશભાઈ સુરેલા, ગણેશપરી શિવપરી ગોસાઈ, સુનિલ પરસોતમભાઇ રાણપરીયા, ભરત ધીરુભાઈ મોરવાડીયા અને અજય ભરતભાઈ મોરવાડીયાની ધરપકડ કરી રોકડા 16,400 કબ્જે કર્યા છે જયારે માલવીયાનગર પીઆઇ કૈલાની રાહબરીઆં મનીષભાઈ સોઢીયા સહિતની ટીમે બાતમી આધારે અમરનગરમાં દરોડો પાડી જુગાર રમતા પરેશ મોહનભાઇ મકવાણા, નિખિલ પરેશભાઈ મકવાણા, વિરમ નાનજીભાઈ ખોરાણી, મેહુલ બાબુભાઇ કુડેચા, મીતરાજ વિક્રમસિંહ વાઘેલા, શિલ્પાબેન વિરમભાઇ ખોરાણી અને પાયલબેન કલ્પેશભાઈ સુખાનંદીની ધરપકડ કરી 13,700 કબ્જે કર્યા છે.
ગોંડલના આઇકોનિક મેળામાં ફોટોફ્રેમના ભાવતાલ મુદ્દે છરીનો ઘા ઝીકી પરપ્રાંતીય યુવકની હત્યા : બચાવવા વચ્ચે પડેલા પિતરાઈ ભાઈને ગંભીર ઇજા : પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ
ગોંડલમાં વછેરાનાં વાડામાં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો છે ફોટોફ્રેમ અને ભગવાનની છબીઓ વેંચવાનો સ્ટોલ ચલાવતા એક પરપ્રાંતીય યુવાન પર વોરાકોટડા રોડ પર રહેતા રાહુલ સહીત પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે જયારે એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરાયો છે આઇકોનિક મેળામાં હત્યાની ઘટના બનતા લોકોમાં નાશભાગ મચી ગઇ હતી બનાવને પગલે પોલીસ દોડી ગઇ હતી અને હત્યા નિપજાવી નાશી છૂટેલા પાંચ શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સુડોર ગામનો વતની રમાશંકર ઉર્ફે દિપક કમલપ્રસાદ બર્મન ઉ.25, પ્રજ્ઞાગરાજ રહેતો તેનો કૌટુંબિક ભાઈ વિશાલ નરેન્દ્ર શર્મા અને તેનો સગો ભાઈ સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્મા ગોંડલના આઇકોનિક મેળામાં પોતાનો ફોટોફ્રેમનો સ્ટોલ લગાવીને વેપાર કરતા હતા દરમ્યાન ગત રાત્રીના વોરાકોટડા રોડ પર રહેતો રાહુલ રાજુભાઇ ડોડીયા અને અન્ય ત્રણથી ચાર શખ્સો સ્ટોલ પર આવી છબી ખરીદી હતી બાદ માં પૈસા આપ્યા વગર ચાલતી પકડતા રમાશંકરે પૈસા માંગતા રાહુલ સહીતના શખ્સોએ બોલાચાલી કરી જગડો કર્યો હતો બાદમાં ઉશ્કેરાયેલા રાહુલે રમાશંકરને નેફામાંથી છરી કાઢી એક ઘા છાતીના ભાગે ઝીંકી દેતા રમાશંકર લોહીલુહાણ બન્યો હતો રમાશંકરનો પિતરાઇ વિશાલ શર્મા બચાવવા વચ્ચે પડતા તેને પણ છરીનો એક ઘા ઝીકી દીધો હતો અને હુમલાખોર શખ્સો નાશી છુટ્યા હતા રાહુલ ભાગતો હતો ત્યારે બંદોબસ્તમાં રહેલા પીઆઇ જી.એસ.ગઢવી તથા પીએસઆઇ સુરાણીએ રાહુલને ઝડપી લીધો હતો બીજી બાજુ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું બનાવને પગલે એસપી વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી કે.જી.ઝાલા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા આ બનાવ અંગે સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્માની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો પીઆઇ જી.એસ.ગઢવી સહિતની ટીમે હત્યામાં સંડોવાયેલા ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા રાહુલ રાજૂ ડોડીયા, સમીર અકબર સુમરા, અલ્ફાજ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢીયા અને અસફાખ મજીદ જુનેજાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પીઆઇ ગઢવીએ જણાવ્યુ હતું કે, આરોપીઓની પુછપરછમાં ફોટો ફ્રેમનાં ભાવતાલ અંગે જગડો થતા ઉશ્કેરાઈ જઈ આરોપીએ છરીનો ઘા કર્યો હોવાની કબુલાત આપી છે.
- Advertisement -
પર્યુષણ પર્વ પર પ્રતિબંધ હોવા છતાં રાજકોટના ખાટકીવાસમાં ભેંસો કપાઈ, 8 સામે ફરિયાદ : ખાટકીવાસમાં એક જ શેરીમાં આવેલા ત્રણ મકાન અને એક રિક્ષામાંથી 1300 કિલો જેટલું માંસ મળ્યું
પર્યુષણ પર્વમાં કતલખાના પર પ્રતિબંધ વચ્ચે ખાટકીવાસમાં ભેંસ વંશના પશુઓની કતલ થતી હોવાની બે છે પ્રદ્દુમનનગર દરોડો પાડયો હતો. ત્રણ મકાન એક રિક્ષામાંથી આશરે 1300 કિલો માંસ સહિત પશુઓના અવશેષો મળી આવ્યા હતા આ બનાવમાં, કંટ્રોલ રૂમની વર્ધીના આધારે પોલીસ ખાટકીવાસ પહોંચી હતી. એક જ શેરીના ત્રણ મકાનના ફળિયામાં કતલ કરાયેલા પશુઓના મૃતદેહ, માંસ, ચામડાં અને અંગો મળી આવ્યા હતા. રાજકોટના ખાટકીવાસમાં ગેરકાયદે પશુની કતલ કરી જાહેરમાં માસ, પશુઓના મૃતદેહ પડ્યા હોવાની કંટ્રોલરૂમને મળેલી વર્દી આધારે પ્રાંગર પોલીસે દરોડો પાડતા સ્થળેથી 7 શખસ મળ્યા હતા, જ્યારે રઝાક આમદ ખાટકી ઘરે હાજર મળ્યો નહોતો. શેરીમાં મળેલી એક CNG રિક્ષાની પાછળની સીટ પર પ્લાસ્ટિકના કોથળામાં માંસ ભરેલું હતું. તપાસ કરતાં ભેંસ વંશના પશુનું માંસ મળી આવ્યું હતું. તેનો જથ્થો આશરે 100થી 150 કિલો હતો.રઝાક ખાટકીના મકાનના ફળિયામાં કતલ કરાયેલો પશુનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું માંસ, હાડકાં અને ચામડું અલગ કરાયેલું હતું. બાજુમાં આશરે 300 કિલો માંસ અને મૃતદેહના ટુકડા પડેલા હતા. પોલીસે જરીના જમાલ ચૌહાણ, રઝાક આમદ ખાટકી, કાસમ હુસેન ચૌહાણના મકાનમાં દરમિજલે રઝાકના મજૂર ઈકબાલ ઈસ્માઈલ તરકબાણ, બનાન હારૂન લિંગડિયા, ફિરોઝ ફકીરમહમદ બેલીમ, સાજિદ મહમદ બેલીમ અને અહેમદ હુસેન શેખ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ પીએસઆઈ સંજય કોઠીવાર ચલાવી રહ્યા છે. સ્થળેથી મળી આવેલી સામગ્રીના જથ્થાનું સેમ્પલ મેળવી એસએસએલમાં મોકલાયું છે.પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના પર પ્રતિબંધ હોવા છતાં રાજકોટના ખાટકીવાસમાં ખુલ્લેઆમ ભેંસ વંશના પશુઓની કતલ થતી હોવાનું બહાર આવ્યું છે અને સ્થળ ઉપરથી પોલીસે ત્રણ મકાન અને એકરિક્ષામાંથી આશરે 1300 કિલો માંસ, 7 પશુઓનાં માથાં તથા મૃતદેહના ટુકડા કબજે કર્યા છે, પરંતુ પકડાયેલા એક પણ ઈસમ પાસે કતલખાનાનું લાઈસન્સ ન હોવાનું ખુલ્યું છે. ખાટકીવાસના બનાવ બાદ મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, આ લોકો પાસે લાઈસન્સ નથી અને પોલીસ દ્વારા અમને જાણ કરવામાં આવી નથી. આથી પકડાયેલ માંસનો જથ્થો ગેરકાયદેસર કહેવાય તેમજ હાલ જાહેરનામાની અમલવારી ચાલુ હોવાથી મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટમાં નિવૃતને ખાણમાં ભાગીદારીની લાલચ આપી શખ્સે 15 લાખ પડાવ્યા : બેલા લીઝના કાગળો વોટ્સએપ પર મોકલી મશીનરી ખરીદવાની વાત કરી ફ્રોડ આચર્યું
રાજકોટના નિવૃત્ત સરકારી કર્મચારીને પથ્થરની ખાણની લીઝમાં 50 ટકા ભાગીદારી અને સારા વળતરની લાલચ આપી રૂ.15 લાખ પડાવી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ બનાવમાં રૈયા રોડ પર શિવમ પાર્કમાં રહેતા અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ વિભાગના નિવૃત્તકર્મી ચન્દ્રસિંહ બચુભા ચુડાસમા(ઉ.વ.63) ની તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ખાખરાથળના શૈલેષ રવજી ઘીયાડનું નામ આપ્યું છે. ચંદ્રસિંહએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં બાલાજી હોલ પાસે તેમની ઓળખાણ શૈલેષ ઘીયાડ સાથે થઈ હતી. શૈલેષે થાનગઢ તાલુકાના અભેપર ગામે પથ્થરની ખાણની લીઝ હોવાનું જણાવી રોકાણની ઓફર કરી હતી. મશીનરી ખરીદવા માટે રૂપિયા રોકાણ કરવાથી 50 ટકા ભાગીદારી આપવાની વાત કરી હતી.ત્યારબાદ આ શૈલેષે લીઝના કાગળો વોટ્સએપ પર મોકલ્યા હતા. સ્થળની મુલાકાત બાદ વિશ્વાસ આવતા ચન્દ્રસિંહે 8 મેના રોજ રૂ.7 લાખ, 17 મેના રોજ રૂ.3 લાખ અને 18 મેના રોજ રૂ.5 લાખ મળી કુલ રૂ.15 લાખ RTGSથી આ શખ્સના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા ત્યાર બાદ સ્થળ પર કોઈ મશીનરી ન હોવાનું અને આરોપીની લીઝમાં ભાગીદારી ન હોવાનું જાણવા મળ્યું હતું. રૂપિયા પરત માગતાં દોઢ મહિનામાં આપવાનું કહી સમય પસાર કર્યો હતો. લાંબા સમય બાદ પણ રૂપિયા પરત ન મળતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એએસઆઈ જનકસિંહ ગોહિલ તપાસ કરી રહ્યા છે.
હડમતીયા ગોલીડા ગામે શ્રમિકના મકાનમાંથી 2.75 લાખની ચોરી : અનાજની પેટીમાંથી રોકડ-દાગીના ઉઠાવી ગયા : આજી ડેમમાં ફરિયાદ
રાજકોટના હમતિયા ગલીડા ગામે રહેતા કનુભાઈ ભાયાભાઈ વાઘેલા (ઉ.વ.૪૫)ના મકાનને નિશાન બનાવી તસ્કર મકાનમાં પ્રવેશ કરી રૂા.૨.૭૫ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી નાસી ગયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અનાજ ભરવાની કોઠીમાંથી પત્ની દાગીનાનો થેલો કાઢવા જતાં ખબર પડી હતી. ફરિયાદમાં કનુભાઈએ જણાવ્યુ કે, દસેક દિવસ પહેલા પત્ની જયાબેને ઘરમાં રાખેલી અનાજ ભરવાની કોઠીમાં સોના-ચાંદીના દાગીના અને 22 હજાર રોકડ સાથેનો કાપડનો થેલો રાખ્યો હતો. ગઈ તા. ૧ના રોજ તે ત્રણ પુત્રી સાથે રાજકોટ અને પત્ની ગામમાં જ મોટાબાપુના પુત્રને ત્યાં પ્રસંગમાં ગયા હતા અને ઘરે તેના માતા એકલા હતા. ગઈ તા.૩ના રોજ શીતળા સાતમ નિમિતે પરિવારજનોને કાલાવડ ખાતે શીતળા માતાના મંદિરે બાધા પુરી કરવા જવાનું હોવાથી પત્ની દાગીના ભરેલો થેલો કાઢવા જતા કોઠીમાં થેલો જોવા ન મળતા ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ અંગે આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
જેતપુરના વેપારી સાથે 15.61 લાખની છેતરપિંડી આચરનાર ગોધરાના શખ્સ સામે ફરિયાદ : 22 લાખના લસણ-ડુંગળી મંગાવી, 6.40 લાખ ચૂકવી બાકીનું બુચ મારી દીધું
જેતપુરના લસણ ડુંગળીના વેપારી સાથે 15.61 લાખની છેતરપીંડી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે કણકીયા પ્લોટમાં આવેલ આર.એમ. ટ્રેડીંગ પેઢીના સંચાલક પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના માલીકએ 22 લાખનો માલ મંગાવી ફક્ત 6.40 લાખ ચૂકવી દુકાનને તાળા મારી નાસી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેતપુરમાં ધોરાજી રોડ પર પાવર હાઉસની બાજુમાં રહેતાં કલ્પેશભાઈ મહેશભાઈ ભાગવાણી ઉ.36એ ગોધરામાં આવેલ શ્રીજી આલુ ભંડાર પેઢીના માલીક રાહુલ નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે આર.એમ. ટ્રેડીંગ નામની ડુંગળીની પેઢી ચલાવે છે ગઇ તા.18ના પરિચિત ડ્રાઇવર જેન્તીભાઇ એક વેપારીની ડુંગળીની ગાડી ભરી ગોધરા ગયા હતા ત્યારે તેનો ફોન આવેલ કે હું ગોધરા શ્રીજી આલુ ભંડાર પર ડુંગરીની ગાડી ખાલી કરવા આવેલ છું અને અહીંયા ડુંગળીના વેપારી રાહુલભાઇને ડુંગરી લેવાની છે તો તમે વાત કરો તેમ કહેતા રાહુલભાઈ સાથે ફોન ઉપર વાત કરતા જણાવેલ કે, ભાવ તાલ આપો જેથી તેમને ભાવ તાલ આપી કહેલ કે, તમારૂ વિઝીટીંગ કાર્ડ, આધાર કાર્ડ તથા જીએસટી નંબર આપો તેમ કહેતા આરોપીએ પોતાનું વિઝીટીંગ કાર્ડ મોબાઇલમાં મોકલેલ હતું પરંતુ આધાર કાર્ડ કે જીએસટી નંબર આપેલ નહી અને કહેલ કે તમે ડુંગરીની ગાડી મોકલો તેમ વાત કરતા તા.18ના આરોપીને ફોન કરી કહેલ કે તમારી ડુંગરીની એક ગાડી આજે મોકલુ છું અને પેમેન્ટ કેવી રીતે કરશો તેમ કહેતા જણાવેલ કે હું એક અઠવાડીયામાં તમને પેમેન્ટ મોકલી આપીશ જેથી ફરીયાદીએ તા.18ના રોજ ડુંગળીના બોક્સ નંગ-238 વજન 9520 કિલો કિ.3,25, 889નો માલ ટ્રકમાં વિષ્ણુ ટ્રેડીંગ, માર્કેટીંગ યાર્ડ ગોંડલ ખાતેથી ભરીને મોકલી આપેલ હતો ત્યાર બાદ બીજી વખત 280 કટ્ટા ડુંગળી વજન 11,200 કિલો 4,12,425 તા.20/08ના મોકલી આપેલ હતી ત્રીજી ગાડી તા.22ના રોજ 247 કટા ડુંગળી વજન 9880 કિલો તથા લસણ 450 કિલો જે બંન્નેની કિ.3.98,915નો જથ્થો પણ મોકલી આપેલ હતો ચોથી ગાડી તા.25ના રોજ ડુંગરીના કટ્ટા નંગ 336 વજન 13,440 કિલો કિ.5,57,901નો જથ્થો મોકલી આપેલ હતો. જે બાદ તા.27ના પાંચમી ગાડીમાં ડુંગળીના કટા નંગ-281 વજન 11,240 કિલો જેની કિ.5,05,120નો જથ્થો પણ મોકલ્યો હતો. જે મળી અલગ અલગ કુલ પાંચ ગાડી દ્રારા કુલ 22.01 નો ડુંગળી તથા લસણનો જથ્થો મોકલેલ હતો જે બાદ શ્રીજી આણુ ભંડાર વાળા રાહુલએ કટકે કટકે કુલ રૂ.6.40 લાખ મોકલેલ જ્યારે બાકી રહેતાં રૂ.15.11 લાખ લેવાના બાકી હોય જે લેણી રકમ વસુલ કરવા માટે અવાર નવાર કહેતાં જણાવેલ કે, હું તમોને તા.30 ના રોજ જેતપુર આવીને તમારૂ પેમેન્ટ કરી આપીશ જે બાદ આરોપીને તા.31ના ફોન કરીને કહેલ કે, કાલે આવેલ નહી તો મારા પેમેન્ટનું શું થયુ તેમ કહેતા કહેલ કે, મને એક ચેક આવેલ છે જે ચેક વટાવાવ બેંકમાં નાખેલ છે જે રૂપિયા મને આવશે એટલે તમને તમારા ખાતામાં નાખીશ તો તમારા એકાઉન્ટ નંબર આપો તેમ કહેતા તેને એકાઉન્ટ નંબર પણ આપેલ હતા જે બાદ પણ પેમેન્ટ આરોપીએ ન આપતાં ફરીયાદી ગોધરા ખાતે આ શ્રીજી આલુ ભંડાર વાળા રાહુલની તપાસ કરવા ગયેલ તો આ શ્રીજી આલુ ભંડાર નામની દુકાન બંધ હતી અને આજુ બાજુમાં તપાસ કરતા જાણવા મળેલ કે, આ રાહુલ પોતાની દુકાન બંધ કરી જતો રહેલ છે. જેથી આરોપીએ 15.61 લાખની છેતરપીંડી કરતાં ફરિયાદ નોંધાવી હતું.
કુવાડવામાં કોઈ કારણ વિના નાના ભાઈનો મોટાભાઈ પર છરીથી હુમલો : કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ તાલુકાના કુવાડવા ગામે યુવાન પર તેના જ સગા નાના ભાઇએ છરીથી ઘા હાથમાં ઝીંકી દેતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામ ખાતે હરી ઓમ ચોક પાસે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિતેશ નાથાભાઇ લઢેરની ફરિયાદ પરથી તેના નાના ભાઇ દશરથ નાથાભાઇ લઢેર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. નિતેશ સાંજે સાડા ચારેક વાગ્યે પત્નિ સાથે ઘરે હતો ત્યારે સગો ભાઈ દશરથ લઢેર તેના ઘરે આવ્યો હતો. કોઈ પણ કારણ વગર બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. આથી નિતેશે તેને મારી સાથે ઝઘડો ન કર તેમ કહેતાં તે વધુ ઉશ્ેકેરાયો હતો અને નેફામાંથી છરી કાઢી હુમલો કરતાં નિતેશે હાથ આડો રાખતાં જમણી હથેળીમાં ઘા લાગી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. હુમલો કરી દશરથે ભાગી ગયો હતો. પત્નિ નિતેશર્ને કુવાડવા હોસ્પિટલ લઇ જતાં સારવાર લીધી હતી પીએસઆઇ આર. કે. સામુદ્રેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિતેશ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે તે ચાર ભાઇ અને અકે બહેનમાં મોટો છે.
દારૂ પીને આવેલા પતિને પત્નીએ ઠપકો આપતા ફાંસો ખાઈ જીવ દીધો : હરીપર પાળ ગામે બનેલો બનાવ : ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
મેટોડાના હરિપર પાળ ગામે રહેતાં આધેડ સાંજે દારૂનો નશો કરીને ઘરે આવતાં પત્નિએ દારૂ પીવાની ના પાડી ઠપકો આપતાં તેણે રૂમમાં જઇ લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ હરિપર પાળમાં રહેતાં પોપટભાઇ સોમાભાઇ પરમાર ઉ.43એ ગત સાંજે રૂમમાં લાકડાની આડીમાં સાડી બાંધી આપઘાત કરી લેતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતાં હેડ કોન્સ. કરણભાઇ મારૂ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પોપટભાઇ ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે પોપટભાઇ ગાડીમાંથી માલ સામાન ઉતારવાની મજૂરી કરતાં હતાં હાલમાં તેને પગમાં ગાંઠ થઇ હોઇ દુઃખાવો પણ થતો હતો આ વચ્ચે તે સાંજે ઘરે દારૂ પીને આવતાં પત્નિએ તબીયત સારી ન હોઇ દારૂ ન પીવાય તેમ કહી ઠપકો આપ્યો હતો બાદમાં પોપટભાઇ જમવાનું બને એટલે ઉઠાડજો તેમ કહી રૂમમાં ગયા હતાં રસોઇ બની જતાં પત્નિ બોલાવવા જતાં તે લટકતા જોવા મળતાં દેકારો મચાવ્યો હતો બનાવને પગલે ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યુ છે.
રેલનગરમાં બીમારીથી કંટાળી વૃધ્ધે ફાંસો ખાઈ જીવ દીધો
રાજકોટના રેલનગરમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે જાણવા મળ્યા મુજબ રેલનગરમાં અમૃત હેરીટેજ વીલામાં રહેતાં ધરમશીભાઇ કેશાભાઇ અમીપરા ઉ.72 નામના વૃધ્ધે રાત્રે ઘરના હોલમાં પંખામાં મફલર બાંધી ગળાફાંસો ખાઇ લેતાં 108 બોલાવાઇ હતી પરંતુ તેના તબિબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો મૃતક ધરમશીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતા હતાં તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે પગના દુઃખાવાથી તેમજ ડાયાબીટીશ સહિતની બિમારીથી કંટાળી જઇ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મોભીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



