સૂકા અને લીલા ઘાસચારાના ભાવ ડબલથી વધુ વધતા તાત્કાલિક ફોરેસ્ટ અને વીડીનું ઘાસ ફાળવવા કલેક્ટરને રજૂઆત
રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત ગાયોને ઘાસચારો પૂરો પાડવાની ગંભીર સમસ્યા ઉભી થઈ હોવાનું સામે આવ્યું છે. વરસાદના અભાવે લીલા તેમજ સૂકા ઘાસચારાની અછત સર્જાઈ છે અને તેના ભાવમાં ડબલથી પણ વધુ વધારો નોંધાતા ગૌશાળા સંચાલકો માટે પશુઓના નિભાવનો ખર્ચ વધ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કિશાન સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કિશાન ગૌશાળા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગૌશાળા અને પાંજરાપોળને તાત્કાલિક ધોરણે ઘાસચારો ફાળવવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલ રાજકોટ જિલ્લામાં પૂરતો વરસાદ ન પડવાના કારણે ઘાસચારાની સ્થિતિ ગંભીર બની છે. બજારમાં લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં ડબલથી પણ વધુ વધારો થયો છે. પરિણામે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો માટે જરૂરી માત્રામાં ઘાસચારો ખરીદવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત અપંગ, બીમાર, નિરાધાર અને બિનવારસી ગાયોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ઘાસચારાની અછત અને વધતા ભાવના કારણે આવા પશુઓના ભરણપોષણ સામે ગંભીર પડકાર ઉભો થયો છે. કિશાન ગૌશાળા દ્વારા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ફોરેસ્ટ અને વીડીનું ઘાસ તાત્કાલિક ધોરણે ગૌશાળા અને પાંજરાપોળને ફાળવવામાં આવે. સરકારી સ્તરે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તો નિરાધાર અને બીમાર પશુઓને પૂરતા પ્રમાણમાં ચારો મળી રહે અને ગૌશાળા સંચાલકોને પણ રાહત મળી શકે.




