બ્રિજના કામમાં ગંભીર બેદરકારી ખુલ્લી પડતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા
બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને નોટિસ અપાઈ, સસ્પેન્ડ ઇજનેરો સામે ખાતાકીય તપાસ થશે
- Advertisement -
રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે. બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને મ્યુ. કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે. નવા રિંગરોડ ઉપર કટારીયા ચોકડી પાસે અલગ અલગ ત્રણ નાના બ્રિજ 40 કરોડના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહ્યા છે. જેમાં કામમાં બેદરકારી, બ્રિજના કામમાં ક્ષતિઓ સહિતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર બેદરકારી ખુલ્લી પડતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે, બ્રિજમાં થોડી પણ ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં. નાયબ ઈજનેર વી. સી. કારીયા અને આસી.ઈજનેર વિશાલ વાગડીયા નામનાં ઇજનેરોને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા અને કામમાં ભારે વિલંબ થયો હતો. બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ અપાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે બારીકાઈથી તપાસ કરવા માટે આદેશ કર્યા છે. સસ્પેન્ડ ઇજનેરો સામે ખાતાકીય તપાસ થશે. તેમજ કોન્ટ્રાક્ટર બેકબોન કન્ટ્રક્શન સામે પણ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, મ્યુ. કમિશ્નરે ગઈકાલે રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં બ્રિજના કામમાં ક્ષતિ હોવાનું સામે આવતા આજે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.




