અધૂરી વિગતો ધરાવતી 8 દરખાસ્ત પરત, પેડક રોડ-કાલાવડ રોડના જીમ સંચાલન અને રેસકોર્સ સફાઈની દરખાસ્ત નામંજૂર
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રદ્યુમન પાર્કની માપણી મામલે ખુલાસો માંગ્યો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલી કુલ 24 દરખાસ્તોમાંથી 14 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અધૂરી અને અસ્પષ્ટ વિગતોના કારણે અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો અટવાઈ ગઈ છે.
બેઠકમાં અંદાજે 63 કરોડના વિવિધ વિકાસકામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 10 કરોડના કામોને બહાલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના પેડક રોડ અને કાલાવડ રોડ
વિસ્તારમાં આવેલા જીમના સંચાલન અંગે રજૂ થયેલી દરખાસ્તને મંજૂરી આપી નથી. તેના બદલે મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે હેતુથી જીમના સંચાલન માટે 8 લાખનો બેઝ પ્રાઇઝ નક્કી કરી નવી પ્રક્રિયા હાથ
ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાને અગાઉ કરતાં વધુ આવક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેઠકમાં રેસકોર્સ વિસ્તારમાં સફાઈ કામગીરી માટે રજૂ કરવામાં આવેલી
દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી હતી. સફાઈ માટે કેટલા કર્મચારીઓની જરૂર પડશે અને મેનપાવરની ચોક્કસ વિગતો રજૂ કરવામાં આવી ન હોવાથી કમિટીએ આ દરખાસ્તને બહાલી આપી નહોતી.
આ ઉપરાંત, જરૂરી અને સંપૂર્ણ વિગતોના અભાવે કુલ આઠ દરખાસ્તો સંબંધિત વિભાગોને પરત મોકલવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે વિકાસકામો અને ખર્ચ સંબંધિત દરખાસ્તોમાં જરૂરી વિગતો, આયોજન અને
ખર્ચની સ્પષ્ટતા વગર મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી તરફ, પ્રદ્યુમન પાર્ક સંબંધિત એક મહત્વપૂર્ણ મુદ્દે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ગંભીર નોંધ લીધી છે. પ્રદ્યુમન પાર્કનું ક્ષેત્રફળ અગાઉ 20,000 ચોરસ મીટર દર્શાવવામાં
આવ્યું હતું, જ્યારે માપણી દરમિયાન તે 30,000 ચોરસ મીટર નીકળતા આ તફાવત અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. કમિટીએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે માપણીમાં કોઈ
અધિકારીની બેદરકારી, ભૂલ કે અન્ય કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.




