રાજકોટમાં 103 વર્ષ જૂની ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત
‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે ભાવિકો વરણાગીમાં ભાવપૂર્વક જોડાયા, ઠેર-ઠેર પુષ્પવર્ષા અને પ્રસાદ વિતરણ
- Advertisement -
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે આસ્થાનું કેન્દ્ર એવા રામનાથ મહાદેવની 103મી પાલખી એટલે કે વરણાગી યાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે નીકળી હતી. ઢોલ-નગારા અને
બેન્ડવાજાના ગુંજતા તાલ સાથે ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ ઐતિહાસિક વરણાગીમાં હજારો ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયા હતા. રામનાથ મહાદેવ મંદિરથી શરૂ
થયેલી વરણાગી યાત્રા શહેરના હાથીખાના, પેલેસ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ત્યારબાદ પરત રામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. યાત્રા પસાર થતા માર્ગો પર ભક્તો અને સ્થાનિક નાગરિકોમાં ભારે
ઉત્સાહ જોવા મળ્યો હતો. વરણાગી યાત્રાનું ઠેર-ઠેર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને ભગવાન મહાદેવ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન કેળા, પેંડાં,
ચોકલેટ સહિતના પ્રસાદનું પણ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના છેલ્લા સોમવારે યોજાતી આ વરણાગી માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ રાજકોટના લોકોની આસ્થા, શ્રદ્ધા અને સદીઓથી ચાલી આવતી
પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે. વર્ષોથી આ યાત્રામાં વિવિધ વર્ગના લોકો જોડાઈ ભગવાન રામનાથ મહાદેવના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિ, આસ્થા અને ઉત્સાહના અનોખા સંગમ
વચ્ચે યોજાયેલી રામનાથ મહાદેવની 103મી વરણાગીએ સમગ્ર શહેરમાં શિવભક્તિનો માહોલ સર્જ્યો હતો.
પ્લેગની મહામારીથી રક્ષણ માટે 103 વર્ષ પૂર્વે રાજકોટના રાજવી લાખાજીરાજ બાપુએ માનતા માની હતી
રામનાથ મહાદેવની વરણાગી યાત્રા સાથે રાજકોટનો 103 વર્ષ જૂનો ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે. આશરે 103 વર્ષ પહેલાં રાજકોટમાં પ્લેગનો મહારોગ ફાટી નીકળ્યો હતો. તે સમયે શહેરને આ મહામારીમાંથી મુક્તિ મળે તે
માટે તત્કાલીન રાજવી લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ સમક્ષ માનતા માની હતી. માનતા પૂર્ણ થતાં શરૂ થયેલી આ વરણાગીની પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે અને રાજકોટની ધાર્મિક તથા ઐતિહાસિક
પરંપરાનું પ્રતીક બની છે.
રામનાથ મહાદેવના પ્રાંગણમાં રાત્રે લેસર શોનો અનોખો નજારો
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે યોજાયેલી રામનાથ મહાદેવની 103મી ઐતિહાસિક વરણાગી યાત્રા બાદ રાત્રિના સમયે ખાસ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં આધુનિક ટેક્નોલોજીનો
ઉમેરો થતાં ભક્તો અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાત્રિના અંધકારમાં રંગબેરંગી લેસર લાઇટ્સની મનમોહક રજૂઆતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રોમાંચક બની ગયું હતું. વરણાગી યાત્રાના ધાર્મિક
માહોલ બાદ યોજાયેલા લેસર શોએ ઉજવણીને એક નવી ભવ્યતા આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો અને શહેરવાસીઓએ આ અનોખા દૃશ્યનો આનંદ માણ્યો હતો.




