ટુ-વ્હીલરથી લઈને લક્ઝરી કાર સુધી ખરીદીનો ઉત્સાહ, શૉરૂમ્સમાં ભારે ભીડ
રૂ. 30.24 કરોડના નવા વાહનો વેચાતા રાજકોટના ઓટોમોબાઈલ માર્કેટમાં તેજી
- Advertisement -
રાજકોટની RTOમાં રજિસ્ટ્રેશનની કામગીરી મોડી રાત સુધી ધમધમી
ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ માટે તહેવારોની ઉજવણી માત્ર મેળાઓ, ફરવા-ફરવા અને ખાણી-પીણી પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ શુકનવંતી પ્રસંગે નવી ખરીદી કરવાનો ક્રેઝ પણ એટલો જ જોવા મળે છે. ચાલુ વર્ષે
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટના ઓટોમોબાઈલ માર્કેટમાં ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો છે. સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસના ટૂંકા ગાળામાં જ રાજકોટવાસીઓએ કુલ 984 નવા વાહનોની
ખરીદી કરીને રૂ. 30.24 કરોડનો વેપાર નોંધાવ્યો છે. મોંઘવારી અને વિવિધ આર્થિક પડકારો વચ્ચે પણ રાજકોટવાસીઓએ તહેવારના શુભ અવસરને નવી સવારીની ખરીદી સાથે ઉજવવાનું પસંદ કરતાં ઓટોમોબાઈલ સેક્ટરમાં
તેજી જોવા મળી હતી.
જન્માષ્ટમીના પવિત્ર દિવસે નવી વસ્તુ ઘરમાં લાવવી શુભ માનવામાં આવતી હોવાથી શહેરના વિવિધ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર શૉરૂમ્સમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને તહેવારના દિવસોમાં નવી કાર કે
બાઈકની ડિલિવરી મેળવવા માટે અનેક ગ્રાહકોએ અગાઉથી જ વાહનોનું બુકિંગ કરાવી રાખ્યું હતું. આ અગાઉના બુકિંગની ડિલિવરી તહેવારના છ દિવસ દરમિયાન કરવામાં આવતા ઓટોમોબાઈલ બજારમાં ભારે ધમધમાટ
જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન વેચાયેલા કુલ 984 વાહનોમાં દૈનિક ઉપયોગમાં આવતા ટુ-વ્હીલર્સથી લઈને પ્રીમિયમ ફોર-વ્હીલર્સ અને લક્ઝરી કાર સુધીના વિવિધ વાહનોનો સમાવેશ થાય છે. તહેવારની
ખરીદીમાં સામાન્ય પરિવારોની સાથે સાથે પ્રીમિયમ સેગમેન્ટના ગ્રાહકોએ પણ નોંધપાત્ર રસ દાખવ્યો હોવાનું ઓટો માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહ્યા છે.
- Advertisement -
વાહનોની ખરીદીના કારણે રાજકોટ RTO કચેરી ખાતે પણ કામગીરીમાં વધારો નોંધાયો હતો. નવા વાહનોના રજિસ્ટ્રેશન, નંબર ફાળવણી અને નંબર પ્લેટ સંબંધિત કામગીરી માટે કચેરીમાં વ્યસ્તતા જોવા મળી હતી અને
રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કામગીરી મોડી રાત સુધી ધમધમતી રહી હતી.




