લોકોને માંડ 97 કરોડ જ પાછા મળ્યા, 3%થી પણ ઓછી રકમ રિકવર થઇ
સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે નવા-નવા આયોજનો થઈ રહ્યાં છે. આ દરમિયાન ઠગાઈનો ભોગ બનેલાં લોકોને મોટી નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-ર૬ સુધીના ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી 3707 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. તેમાંથી માંડ ૯૭ કરોડ રૂપિયા જ લોકોને પાછા મળ્યાં છે. નેટ બેન્કિંગ અને કાર્ડસથી છેતરપિંડીના ગુનામાં ત્રણ ટકાથી ઓછી રકમની રિકવરી થવા પામી છે.
રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે. આ ત્રણ વર્ષ દરમિયાન બેન્કોનો રિકવરી રેટ એક ટકાથી ઓછો હતો. ૩.૪૩ ટકા પહોંચ્યો છે, જે માત્ર ૩.૪૩ ટકા એટલે કે માત્ર ૨.૫૦ ટકા સુધર્યો છે. આવનારાં દિવસોમાં બેન્કો દ્વારા પૈસાની ગેરકાયદે હેરાફેરી અટકાવવા મ્યુલ એકાઉન્ટ્સ એ.આઈ.નો ઉપયોગ કરીને સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરવાળે, સાયબર ક્રાઈમની ગુનાખોરીમાં પ્રજાજનોએ ગુમાવવાનો જ વખત આવે છે.
છેતરપિંડીથી લોકોએ ગુમાવેલી રકમમાં વિતેલા ત્રણ વર્ષમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ ર૦ર૩-૨૪માં લોકોએ ૯૮૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તેમાં ૩૦ ટકાના ધરખમ વધારા સાથે લોકોએ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૨૮૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. ૧૧ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૨૫-૨૬માં આ આંકડો ૧૪૩૫ કરોડ રૂપિયા પહોંચ્યો છે. આમ, વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બેન્ક ફ્રોડ, સાયબર ફ્રોડથી લોકોએ ૩૭૦૭ કરોડ રૂપિયા ગુમાવ્યા છે તેની સામે લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યાં છે.




