ખતરો હજુ ટળ્યો નથીઃ CM સમ્રાટ ચૌધરી
નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ બિહાર અને ઉત્તર પ્રદેશની સરહદો પર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. નદીઓનું જળસ્તર વધતાં આ બંને રાજ્યોમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. બિહારના ગંડક બેરેજમાંથી સવારથી ૪ વખત પાણી છોડવામાં આવ્યું છે. રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં નેપાળ તરફથી લગભગ દોઢ લાખ ક્યુસેક, એટલે કે ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડ પાણી છોડવામાં આવ્યું. બગહા સ્થિત ગંડક બેરેજના ૩૬ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રાત્રે ૧૨ વાગ્યે બેરેજમાંથી ૧ લાખ ૫૨ હજાર ક્યુસેક, સવારે ૬ વાગ્યે ૮૮ હજાર, ૭ વાગ્યે ૯૨,૯૦૦ હજાર, ૧૦ વાગ્યે ૧૦૪,૪૦૦, ૧૨ વાગ્યે ૧૦૬,૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એટલે કે બેરેજમાંથી દર સેકન્ડે ૭૯.૩ લાખ લિટર પાણી નીકળી રહ્યું છે. ગંડક બેરેજ પર નેપાળમાં થયેલી તબાહીનો કાટમાળ પણ દેખાઈ રહ્યો છે. પાણીની સાથે ભેંસ, ફ્રિજ અને ઘરનો સામાન પણ વહીને આવી રહ્યો છે. કેન્દ્રીય જળ આયોગ અનુસાર, આ પૂર પછી ગંડકમાં ૩ મીટર ઊંચા મોજાં ઉછળી શકે છે, ફ્લેશ ફ્લડ આવવાની પણ આશંકા છે. બિહારના ૮ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર છે.
નેપાળથી આવતા પાણી માટે ગંડક બેરેજમાં જગ્યા બનાવવામાં આવી રહી છે. બેરેજના પાણી સાથે જોડાયેલી ઘણી નહેરોને પણ ખાલી કરાવવામાં આવી છે. ગંડક નદીના કિનારે વસેલા લોકોને ઊંચા સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. NDRF-SDRFની ટીમ સંભવિત પૂર પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. પૂર પ્રભાવિત લોકો માટે કોમ્યુનિટી કિચનની વ્યવસ્થા કરવામાં આવી છે. CM સમ્રાટ ચૌધરીએ ગુરુવારે ગંડક બેરેજનો હવાઈ સર્વે કર્યો. ત્યારબાદ તેઓ ગંડક બેરેજ પહોંચ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ખતરો હજુ ટળ્યો નથી.




